વતનથી મહોબત એટલે ઈમાનની પહેલી નિશાની

વતનથી મહોબત એટલે ઈમાનની પહેલી નિશાની
નલિયા, તા. 18 : અહીં દારૂલ ઉલુમ ફૈમીને ગુલશને મુસ્તફા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે 35મી વાર્ષિક પરીક્ષા યોજવામાં આવી હતી. જેમાં 125 વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી. ઉત્તરપ્રદેશથી આવેલા રાષ્ટ્રીય મૌલવીએ દારુલ ઉલુમની પ્રવૃત્તિઓને બિરદાવી ખુશી વ્યક્ત કરી હતી. રાષ્ટ્રીય મૌલવી સૈયદ હાશમમિયા કછોછવી શરીફનાએ દેશીની એકતા અને ભાઈચારો જાળવી રાખવા અનુરોધ કરતાં જણાવ્યું હતું કે દુનિયામાં સૌથી પહેલા ઈન્સાન આદમ (મનુ)ને ખુદા (ઈશ્વર)એ ભારતની આ મહાન ભૂમિ ઉપર મોકલ્યા આપણે સૌ એમની ઔલાદ છીએ. વધુમાં હાસમીએ જણાવ્યું હતું કે આ દેશ દરેક ધર્મ પાળતા લોકોનો છે. અહીં કોઈના માટે બંધારણે ભેદભાવ રાખ્યો નથી. એમણે હિન્દુસ્તાન ઝિંદાબાદના નારા સામે વતનની મહોબત ઈમાનની પહેલી નિશાની ગણાવી હતી. પ્રારંભમાં નલિયા મુસ્લિમ સમાજના પ્રમુખ તકીછાબાવા સૈયદે સ્વાગત પ્રવચન કરી છેલ્લા 35 વર્ષથી સંસ્થા દ્વારા ધાર્મિક શિક્ષણની સાથે ધોરણ 1થી 12 સુધીનું શિક્ષણ આપવા ઉપરાંત વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે તેની વિગતો આપી હતી. વિદ્યાર્થીઓની વાર્ષિક પરીક્ષા સૈયદ અલ્હાજ ડો. જહાંગીરશાબાવાએ લઈને પોતાના પ્રવચનમાં દીની શિક્ષણની સાથે નિયમિત શિક્ષણ પણ અનિવાર્ય હોવાનું કહી દુનિયાની સાથે કદમથી કદમ મીલાવીને ચાલવાની શીખ આપી હતી. દારૂલ ઉલુમના છાત્રોએ ધાર્મિક વ્યાખ્યાનો અને નાત શરીફ, સવાલ જવાબ રજૂ કર્યા હતા. સંચાલન મૌલાના સિદિક અહિબે કર્યું હતું. આભારવિધિ મૌલાના ગુલામ મુસ્તફા જીઆઈએ કરી હતી. કચ્છમાંથી મુસ્લિમ સમાજે હાજરી આપી હતી. નલિયાના મુસ્લિમ વેપારીઓએ બજાર અડધો દિવસ બંધ રાખીને સહયોગ આપ્યો હતો. વ્યવસ્થા નલિયા મુસ્લિમ જમાત અને યુવા ટીમે સંભાળી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer