જેમનું દૂધ પીધું છે એ `મા''ને વૃદ્ધાશ્રમમાં કેમ મુકાય ?

જેમનું દૂધ પીધું છે એ `મા''ને વૃદ્ધાશ્રમમાં કેમ મુકાય ?
કાઠડા (તા. માંડવી), તા. 18 : જેમનું દૂધ પીધું છે એ `મા'ને વૃદ્ધાશ્રમમાં કેમ મુકાય ? વાત છે કાઠડા ગામના ગઢવી પરિવારની જે છેલ્લા છ  મહિનાથી વૃદ્ધ થઇને પથારીવશ થઇ ગયેલી ગાયને રોજ ક્રેનથી ઊભી કરી પગ ચાલ કરાવે છે. રોજ બે ટાઇમ ડ્રેસિંગ કરાય છે અને હવા માટે પંખા સહિતની વ્યવસ્થા પણ રાખી છે. જો આવા લોકો સમાજમાં હોય તો ગાયો માટે પાંજરાપોળ અને માણસોના વૃદ્ધાશ્રમ જ ન હોય. કાઠડાના બાબુભાઇ ઉર્ફે પબુ અરજણ કારિયાએ 19 વર્ષ અગાઉ દૂધ માટે ગાય વેચાતી લીધી. અઢાર વર્ષ સુધી દૂધ આપ્યું અને છ-સાત મહિનાથી એ ગાય ઉમરના હિસાબે પથારીવશ થઇ ગઇ. પશુચિકિત્સકના જણાવ્યા પ્રમાણે રોગ લાગુ પડી જતાં તે હવે ઊભી નહીં થઇ શકે. પરંતુ બાબુભાઇએ હિંમત હાર્યા વગર તેની સેવા કરવાનો નિર્ણય કર્યો. માંડવીમાં જૈનમિત્ર મંડળમાંથી પશુઓને ઊભા કરવા રખાયેલી ક્રેન લઇ આવ્યા અને રોજ સવારે આજુબાજુથી બે-ત્રણ વ્યક્તિને બોલાવીને ગાયને ક્રેનથી પગ ચાલ કરાવાય છે, એટલું જ કહીં તેને બીમારી લાગુ પડી જતાં બંને સાઇડ પગ તથા પેટ ઉપર ધાબા પડી જતાં રોજ ડ્રેસિંગ પણ કરે છે. અમુક સમય પશુચિકિત્સક દ્વારા ડ્રેસિંગ કરાયું પણ હવે બધી સામગ્રી લઇ પોતે જ ડ્રેસિંગ કરે છે. એમ કરતાં કરતાં છ માસથી વધુ સમય થઇ ગયો અને હજી પણ જ્યાં સુધી જીવશે ત્યાં સુધી તેમની સેવા-ચાકરી કરતો રહીશ. જેમનું દૂધ પીધું છે એ `મા'ને વૃદ્ધાશ્રમ ન મુકાય, એ શબ્દો છે બાબુભાઇના. તેઓ નાનપણથી જ ગૌમાતા સાથે અનેરો પ્રેમ ધરાવે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer