વહીવંચા પરંપરાને સાચવવાનો પ્રયાસ

વહીવંચા પરંપરાને સાચવવાનો પ્રયાસ
વિશ્રામ ગઢવી દ્વારા
મોટા લાયજા (તા. માંડવી), તા. 18 : આપણા પૂર્વજોએ પેઢીઓની વ્યવસ્થિત નોંધ?રાખવા માટે `વહીવંચા' પરંપરા સુનિશ્ચિત કરી હતી, જેમાં આપણાં ગોત્રનાં કુળ અને મૂળની દસ્તાવેજી નોંધ?મળી આવતી હતી. આ પરંપરાથી જે તે સમાજના પૂર્વજોની અસ્મિતા અને ગૌરવશાળી ઇતિહાસ વહીના પાનાઓમાં સચવાઇ રહેતો. વિકાસવાદના વાવાઝોડામાં ઘણી બધી સારી પરંપરાઓ લુપ્ત થઇ ગઇ?છે અગર તો થવાને આરે છે ત્યારે તેને બચાવવાનો પ્રયાસ શરૂ  થયો છે. કચ્છ-ભુવડ સ્થિત સ્વ. વાલજી ધનજી બારોટની બંધુ ત્રિપુટીનો પરિવાર સદીઓથી કચ્છ ચારણ સમાજના વહીવંચા-બારોટ તરીકે કામ કરે છે. સ્વ. ધનજીભાઇ વહીવંચા પરંપરાના ખૂબ અભ્યાસુ જ્ઞાતા હતા. તેમના પુત્ર અરવિંદ વાલજી બારોટે પિતાને પગલે હાલ આ પરંપરાનું વહન કરવા મન બનાવ્યું છે. હાલે મોટા લાયજા ચારણ સમાજના કારિયા પરિવારમાં વહી (જેને કચ્છી ભાષામાં પરિયો કહે છે)માં નામ નોંધવા આવેલા અરવિંદભાઇ અને આઇદાનભાઇએ જણાવ્યું કે, કચ્છ ચારણ સમાજના ગોત્ર?મુજબની નોંધો પાંચ મોટા ગ્રંથોમાં સમાવિષ્ટ છે. જેમાં એક હજાર વર્ષનો ઇતિહાસ મળી રહે છે. અમારા પૂર્વજોએ વહન કરેલી આ ગૌરવશાળી પરંપરા ચાલુ રહેવી જોઇએ એવું લાગતાં 2015થી પુન:?`પરિયો' વાંચવાનું ચાલુ કર્યું છે. વ્યવસાયોની નવી નવી ક્ષિતિજો ખુલતાં નવી પેઢી કામ કરવા તૈયાર નથી. બારોટ પરિવારના 60 ઘરમાંથી હાલ માત્ર બે જ પરિવાર આ કુળકથાના કર્મ સાથે જોડાયેલ છે. જે તે ગોત્રની પ્રશસ્તિનો ખાસ દોહરો, બોલી `ભલા ન મલીએં' (ભલા ના નામ લઇએને અપભ્રંશ)ના મોટા સાદે ઉચ્ચાર સાથે પરિયાનો ઉપાડ થાય છે. જેમાં દેવલોક-નાગવંશથી લઇ કુળકથાની શરૂઆત થાય છે. પરિવારમાં જન્મેલા નવા સંતાનોના નામ ઉમેરાય છે. ગામઠી પરંપરા મુજબ મોસાળ પક્ષ, નિયાણીઓ, વેવાઇ પક્ષને તેડાવી ઉત્સવનું સ્વરૂપ અપાય છે. અરવિંદભાઇએ જણાવ્યું કે, છેલ્લે મોટા લાયજાથી અમે પરિયા?(વહી)માં બાળકની જન્મતારીખ લખવાની પરંપરા ઊભી કરી છે. જેથી આવનારી પેઢીઓને ચોક્કસ સમયનો ખ્યાલ આવે. નૃવંશ?શાત્રીય અભ્યાસ માટે આ વહીઓ ઉપયોગી પુરવાર થાય તેમ છે. આપણા કુળ અને મૂળને શોધી આપતી આ ગૌરવશાળી પરંપરાને પ્રોત્સાહન આપવું રહ્યું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer