હનુમાનજી ત્યાગ-સંયમના પ્રતીક

હનુમાનજી ત્યાગ-સંયમના પ્રતીક
અંજાર, તા. 18 : અહીં મારુતિનંદન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લોકોના આરોગ્યની સુખાકારી તેમજ સર્વ જીવ કલ્યાણ અને પર્યાવરણના શુદ્ધ હેતુ માટે હનુમાન જયંતી નિમિત્તે 24 કલાક હનુમાન ચાલીસાના અખંડ પાઠ તેમજ દશાંશ હોમાત્મક યજ્ઞનો દીપ પ્રાગટાવી પ્રારંભ કરાવતાં સચ્ચિદાનંદ મંદિરના મહંત પૂ. ત્રિકમદાસજી મહારાજે જણાવેલ હતું કે, હનુમાનજી શક્તિ અને ભક્તિનું પ્રતીક છે. ત્યાગ, સમર્પણની ભાવનાથી ખાસ કરીને યુવાનોએ તેમના જીવનમાં આદર્શ બનાવવા જોઈએ. રામ સખી મંદિરના મહંત પૂ. કીર્તિદાસજી મહારાજે આશીર્વચન પાઠવતાં જણાવેલ હતું કે, અપેક્ષા વગરનું કરાતું કાર્ય હંમેશાં સફળ થાય છે. આ પ્રસંગે મારુતિનંદન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ માજી નગરપતિ વસંતભાઈ કોડરાણીએ આ ટ્રસ્ટ દ્વારા સમગ્ર કચ્છમાં કરાતી લોકઉપયોગી સેવા, મેડિકલ સેવા તથા અન્ય સામાજિક સેવાની માહિતી આપતાં કહ્યું કે, હજુ પણ નખત્રાણા બાદ કચ્છમાં અનેક વિસ્તારમાં મેડિકલ સેવાઓ શરૂ કરવામાં આવશે. ટ્રસ્ટી જેરામભાઈ રાવલિયાએ આ ટ્રસ્ટની સેવામાં સહયોગ આપતા લોકોને બિરદાવી આગામી દિવસોમાં વધુ ને વધુ સારી સેવાની ખાતરી આપી હતી. અખિલ કચ્છ ભારતીય યાદવ મહાસભા કચ્છ મંડળના પ્રમુખ આહીર અગ્રણી ત્રિકમભાઈ આહીર, પૂર્વ નગરપતિ ભરતભાઈ શાહ, લોહાણા સમાજના પ્રમુખ હસમુખભાઈ કોડરાણી, નવીનભાઈ ચંદે, ગોવિંદભાઈ કોઠારીએ આ ટ્રસ્ટની સેવાની કામગીરી બિરદાવી સહયોગની ખાતરી આપી હતી. કાર્યક્રમમાં નગરપતિ રાજેશભાઈ પલણ, સંજય દાવડા, લવજીભાઈ સોરઠિયા, ક્રિપાલસિંહ ઝાલા, જીવરામભાઈ ટાંક, મહેન્દ્ર કોટક, ઈસ્માઈલ ખત્રી, મેહુલ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. સંચાલન અનિલ પંડયાએ કર્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer