ગાંધીધામમાં વાજતે-ગાજતે નીકળેલી શોભાયાત્રાનું આકર્ષણ

ગાંધીધામમાં વાજતે-ગાજતે નીકળેલી શોભાયાત્રાનું આકર્ષણ
ગાંધીધામ, તા. 18 : મર્યાદાપુરુષોત્તમ ભગવાન શ્રી રામનો પ્રાગટય દિવસ એટલે રામનવમી તથા સ્વામિનારાયણ ભગવાનનો 238મો જન્મોત્સવ ગાંધીધામ સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે ધામધૂમથી ઉજવાયો હતો. બપોરે શ્રીરામ જન્મોત્સવની મહાઆરતી બાદ સાંજે ગુરુકુળથી નગરયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા મુખ્ય માર્ગથી ઈફ્કોના ગેટથી થઈને સિંધુબાગના માર્ગેથી ગુરુકુળમાં પાછી ફરી હતી. નગરયાત્રામાં બે મુખ્ય રથો તૈયાર કરાયા હતા. ચાર બાઈક ઉપર વહાણની આકૃતિ શોભાયાત્રાનું આકર્ષણ કેન્દ્ર બની હતી. મોટી સંખ્યામાં સંતો અને હરિભક્તો જોડાયા હતા. ગુરુકુળના ચોકમાં વૈદિક મંત્રોચ્ચારણ સાથે સંતોએ ભગવાન હરિકૃષ્ણ મહારાજનો પંચામૃતથી અભિષેક કર્યો હતો. રાજોપચાર તથા 100 કિલો પુષ્પોથી ભગવાન ઉપર પુષ્પવૃષ્ટિ કરતાં કરતાં રથયાત્રા કઢાઈ હતી. રથયાત્રા પૂર્ણ થતાં રાસોત્સવ યોજાયો હતો. ત્યારબાદ ઘનશ્યામ મહારાજના જન્મ સમયે મહાઆરતી કરાઈ હતી. ભગવાનને સોના-ચાંદીના પારણિયામાં સંતો, ભક્તોએ સાથે મળીને ઝૂલાવ્યા હતા. જન્મોત્સવના દર્શન કરવા આવેલા સર્વે ભક્તોને પંચામૃત તથા પંજુરીના પ્રસાદનું વિતરણ કરાયું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer