કચ્છના છ લાખથી વધુ મતદારે શપથ લીધા

કચ્છના છ લાખથી વધુ મતદારે શપથ લીધા
ભુજ, તા. 18 : લોકસભા સામાન્ય ચૂંટણી, 2019 એ ભારત વર્ષ માટે દર પાંચ વર્ષે આવતો `લોકમહોત્સવ' છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ `કચ્છ કરશે 100 ટકા મતદાન'ની જાગૃતિ ઝુંબેશના ભાગરૂપે હમીરસર તળાવની પાળે જિલ્લાકક્ષાનો `મતદાન જાગૃતિ : સૂરધારા-સંગીતસંધ્યા' કાર્યક્રમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કચ્છના અધ્યક્ષપદે યોજાયો હતો.આ પ્રસંગે ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કૂલ અને માતૃછાયા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ દ્વારા મતદાન જાગૃતિ ગીત તેમજ કચ્છ યુનિવર્સિટીના યુવા મતદાતા ગીત અને શ્રી ગણેશ નાટય ગ્રુપ-ભુજ દ્વારા `ફરક પડે છે' નાટક રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્વીપ નોડલ ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલી વીડિયો ક્લિપ બતાવવામાં આવી હતી.આ પ્રસંગે વિદ્યાર્થિનીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરી લોકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. અંતમાં પ્રથમ વખત મતદાન કરનાર મતદાતા ભૂમિ સોલંકી દ્વારા ઉપસ્થિત જનમેદનીને મતદાનનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. શહેરની તમામ કચેરીઓના અધિકારીઓ/ કર્મચારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે શાળાકક્ષાએ નિબંધ-વક્તૃત્વ-પોસ્ટર-ચિત્ર જેવી વૈવિધ્યપૂર્ણ સ્પર્ધાઓ, મતદાતા દિવસ ઉજવણી, મતદાન જાગૃતિ રેલી, સંકલ્પપત્રો ભરાવવા અને મતદાન જાગૃતિ રંગોળી બનાવીને સ્વીપની કામગીરીમાં જિલ્લાની દરેક શાળા/કોલેજોએ અનેરું યાગેદાન આપ્યું હતું. આ અભિયાનના અંતિમ ચરણમાં જિલ્લાની તમામ શાળા/કોલેજોની નજીકમાં આવેલી જાહેર જગ્યાએ `મતદાન જાગૃતિ : સૂરધારા-સંગીતસંધ્યા' કાર્યક્રમ દરેક તાલુકાસ્થળે યોજાયો હતો.ભુજ-ગાંધીધામ 7-7 શાળાઓ અને અન્ય તમામ તાલુકામથકોની 3-3 શાળાઓ મળી કુલ્લ 37 શાળાઓના વિદ્યાર્થી ભાઇ-બહેનો અને શિક્ષકો મતદાન જાગૃતિના આ રાષ્ટ્રીય અભિયાનમાં જોડાયા હતા. આ 37 શાળાઓ દ્વારા કુલ્લ 100થી વધારે સ્થળે ગીત-સંગીતના કાર્યક્રમ દ્વારા મતદાતાઓને પ્રેરિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જ્યારે 2000 આંગણવાડી કેન્દ્રોની કાર્યકર બહેનો દ્વારા એક લાખથી વધારે મહિલા મતદાતાઓને, 1700 પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા સવા ચાર લાખથી વધુ મતદાતાઓને અને 450 માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા અને શિક્ષકો દ્વારા જિલ્લાના 600 ઉદ્યોગગૃહો/કંપનીઓ અને જનસમુદાયોના એક લાખથી વધુ મતદાતાઓ સુધી પહોંચી કુલ્લ 6 લાખથી વધુ મતદાતાઓને નિષ્પક્ષ મતદાનનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.સમગ્ર આયોજન કલેક્ટર રેમ્યા મોહનના માર્ગદર્શન હેઠળ નાયબ ચૂંટણી અધિકારી એમ. બી. પ્રજાપતિ તથા નોડલ અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી ડો. બી. એન. પ્રજાપતિ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ બી. એમ. વાઘેલા, વી.એમ. તેરૈયા, સ્નેહાબેન રાવલ, કિશોર સોની, દીપિકા પંડયા વિ.એ સંભાળ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer