સ્ટેમ્પ ડયૂટી વિભાગની આવક અધધધ... અઢી અબજ

ભુજ, તા. 18 : કચ્છમાં દસ્તાવેજ નોંધણીથી માંડી ઈ-સ્ટેમ્પિંગ સહિતની કામગીરી સંભાળતી સ્ટેમ્પ ડયૂટી મૂલ્યાંકન તંત્રની કચેરીને પણ વર્ષ દરમ્યાન આવક રળી આપવા માટે રૂા. 214 કરોડનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. અપાયેલા નાણાકીય અંદાજ સામે પૂરા થતા નાણાકીય વર્ષ દરમ્યાન રૂા. 197.47 કરોડની આવક થઈ હતી. તો કચેરીમાં પણ રૂા. 51.14 કરોડ પ્રાપ્ત થતાં આંકડો અઢી અબજે પહોંચી ગયો હતો. નોટબંધી પછી રીઅલ એસ્ટેટના વ્યવસાયમાં મંદી ચાલી રહી છે અને જમીનોના વેપાર થતા નથી એવી ચર્ચા આ ધંધામાં જોડાયેલા વર્ગમાં ચાલી રહી છે. પરંતુ સ્ટેમ્પ ડયૂટી વિભાગનો સીધો સંપર્ક જમીન વ્યવસાય સાથે છે એટલે જ આ વિભાગને વર્ષ દરમ્યાન બખ્ખા થઈ ગયા છે. સ્ટેમ્પ અધિનિયમ હેઠળ કોઈપણ મિલકતોના થતા વેચાણના દસ્તાવેજ સહિતની સત્તાવાર નોંધણીમાં સરકારે જે-તે વિસ્તારના જંત્રીના ભાવ નક્કી કર્યા છે. એ જંત્રીના ભાવ કરતાં ઓછી રકમના સ્ટેમ્પ રાખવામાં આવ્યા હોય તેવા કેસમાં સ્ટેમ્પ ડયૂટી વિભાગની કચેરી તરફથી જે-તે મિલકતધારકોને નોટિસ મોકલવામાં આવે છે. ખૂટતી સ્ટેમ્પ ડયૂટીની રકમ લાદવામાં આવે પછી જ એ દસ્તાવેજ જે-તે મિલકતધારક પ્રાપ્ત કરી શકે નહીંતર કચેરી પાસે દસ્તાવેજની નકલો જમા રહેતી હોય છે. વિતેલા નાણાકીય વર્ષમાં 699 મિલકતધારકો એવા હતા જેઓએ પોતાની ડયૂટીની રકમ ઓછી દર્શાવી હતી. તેઓને નોટિસ ગયા પછી રકમ ભરવામાં આવતાં આવા કેસોને કલમ 32 (ક) કહેવામાં આવે છે, જેના પેટે સ્ટેમ્પ ડયૂટી કચેરીને રૂા. 1.05 કરોડની રકમ મળી હતી. આ અંગે સત્તાવાર સમર્થન આપતાં કચેરી અધીક્ષક એમ.ડી. મહેશ્વરીએ વધુ વિગતો આપી કલમ 33 હેઠળ આવક અંગે પ્રકાશ પાડયો હતો. તેમણે કહ્યું કે, સરકારે નક્કી કરેલી બજારકિંમત કરતાં પણ ઓછી રકમ દસ્તાવેજમાં દર્શાવવામાં આવી હોય તો આવા કિસ્સામાં જે-તે દસ્તાવેજ કરાવનારાઓને પણ નોટિસો મોકલવામાં આવતી હોય છે. કલમ 33 હેઠળ કચ્છમાં 449 જણને નોટિસ રવાના કરી ભરવાની થતી બાકીની વસૂલાત કરવાનું જણાવાયું હતું. એક વખત નોટિસ ઈશ્યુ બાદ કોઈ પણ મિલકતધારકોને પોતાના દસ્તાવેજ મળી શકતા નથી. શ્રી મહેશ્વરીના જણાવ્યા પ્રમાણે કલમ 33 હેઠળની રૂા. 3.14 કરોડની ડયૂટી વસૂલવામાં આવી હતી. કચ્છમાં આ કિસ્સામાં કોઈ મોટી રકમ ભરનાર હોય તો આ અંગે તેમણે જણાવ્યું કે, ગાંધીધામના રેણુકા સુગરના બે કેસ હતા, જેમની પાસેથી રૂા. 2.13 કરોડ વસૂલવામાં આવ્યા છે. સરકારી જમીનની માગણી કરવામાં આવી હોય અને કચ્છના કલેક્ટર તરફથી જ્યાં-જ્યાં પણ જમીન ફાળવવામાં આવી હોય એવા કિસ્સામાં બજારકિંમત પ્રમાણે થતી સ્ટેમ્પ ડયૂટીની રકમ કોઈ કિસ્સામાં દર્શાવવામાં આવી હોય એવા વર્ષ દરમ્યાન 354 કેસ સામે આવ્યા હતા. કચ્છમાં હજારો ટન માલ-સામાનની આયાત થાય છે. આવા કેસમાં 59,843 ડિલિવરી ઓર્ડર સામે આવતાં તેના પેટે રૂા. 44.96 કરોડની આવક સ્ટેમ્પ ડયૂટી વિભાગને થઈ હતી. એવી જ રીતે કચ્છમાં ખાણ-ખનિજ વિભાગની મોટી કામગીરી થાય છે. લગભગ 950 લીઝધારકો તરફથી ખાણ-ખનિજ વિભાગ સાથે કરાર કરાતા હોય છે. કરાર પેટે સ્ટેમ્પ ડયૂટી પણ ચૂકવવી પડતી હોય છે. શ્રી મહેશ્વરીના કહેવા પ્રમાણે બજારકિંમત પ્રમાણે આ તમામ 354માં ભરવાની થતી બાકીની સ્ટેમ્પ ડયૂટીની રકમ ભરાવવામાં આવી હતી. જેનો આંક રૂા. 95 લાખનો રહ્યો હતો. કચ્છના કંડલા અને મુંદરા આ બંને બંદરો પર જહાજ દ્વારા આયાત કરવામાં આવતા માલ-સામાનની ડિલિવરી ઓર્ડર ઉપર પણ સ્ટેમ્પ ડયૂટી વસૂલવામાં આવે છે. જેમાં દર હજાર 1 ટકો સ્ટેમ્પ ડયૂટી લાગે છે. ખાણ-ખનિજ કરારના રૂા. 95 લાખ વસૂલવામાં આવ્યા હતા.કચ્છની તમામ સબ રજિસ્ટ્રાર કચેરીમાં સ્ટેમ્પ ડયૂટી વિભાગ તરફથી ઈ-સ્ટેમ્પિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. દસ્તાવેજને લગતા જરૂરી રકમના પાના ઈ-સ્ટેમ્પિંગ કરી દેવામાં આવતા હોવાથી આવક કચ્છના ઈ-સ્ટેમ્પિંગ કેન્દ્ર પાસેથી રૂા. 69.39 કરોડ, જ્યારે તિજોરી કચેરી મારફતે રૂા. 129.16 કરોડ પ્રાપ્ત થયા છે. આખી રકમ મળીને 2.49 કરોડનની આવક વર્ષ દરમ્યાન સ્ટેમ્પ ડયૂટી વિભાગથી થઈ હોવાનું તેમણે ઉમેર્યું હતું.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer