ગાંધીધામના આંબેડકર ભવનનું કામ અટકાવી દેવા જી.ડી.એ.ની આવી સૂચના

ગાંધીધામ, તા. 18 : બે વર્ષ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જેનું ખાતમુહૂર્ત થયું હતું તે ડો.આંબેડકર કન્વેન્શન સેન્ટરનું માંડ કામ શરૂ થયું ત્યાં હવે ગાંધીધામ ડેવલપમેન્ટ ઓથોરિટી (જી.ડી.એ.) દ્વારા જમીનના હેતુફેર સંદર્ભે તોતીંગ કન્વર્ઝન ચાર્જ ભરવા અને ત્યાં સુધી આ કામ રોકવા આદેશ થતાં દોડાદોડ થઈ પડી છે. અત્યંત વિશ્વાસપાત્ર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સામાન્ય સંજોગોમાં માસ્ટર પ્લાનની અંદર જે જમીન ગ્રીન બેલ્ટ બતાવાઈ હોય તેના હેતુમાં ફેરફાર થતો હોતો નથી. અહીં ટાગોર રોડ સ્થિત દાદા ભગવાન મેદાન તરીકે આળખાતી જમીન ગ્રીન બેલ્ટમાં હતી. ડો.આંબેડકર કન્વેન્શન સેન્ટર બાંધવા તેનો વિશેષ કિસ્સામાં જી.ડી.એ. દ્વારા હેતુફેર કરાયો. આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી ત્યાં બાંધકામ શરૂ કરાયું હતું પરંતુ તાજેતરમાં જી.ડી.એ. દ્વારા આ ફેરફાર સબબ રૂ.94 લાખ  કન્વર્ઝન ચાર્જ માગવામાં આવતાં દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના જવાબદારો મુશ્કેલીમાં મુકાયા છે. એક અધિકારીએ કહ્યું હતું કે  જિલ્લા સમાહર્તા પાસે આ સરકારી કામ હોવાથી ચાર્જમાં છુટછાટની અરજ કરાઈ છે. ત્યાંથી  નિર્ણય આવ્યા પછી તેનું ભવિષ્ય નકકી થશે.દરમ્યાન જાણકારોના કહેવા પ્રમાણે ખુદ ડીપીટી લીઝ હોલ્ડ જમીનો ફ્રી હોલ્ડ કરતી વેળા કન્વર્ઝન ચાર્જ લઈ જ રહી છે ત્યારે તે જીડીએ પાસે તેમાં રાહતની કેવી રીતે આશા રાખી શકે? ટુંકમાં હાલ તુરત આંબેડકર ભવન પુન: વિવાદમાં મુકાયું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer