ગાંધીધામની કંપની સાથે દોઢ કરોડની છેતરપિંડી

અમદાવાદ, તા. 18 (અમારા પ્રતિનિધિ તરફથી) : વર્ષ 2013-14થી આજ સુધી ગાંધીધામની કંપનીમાં કામ કરતા અમદાવાદના શખ્સે કંપનીના ગ્રાહકોને અપાતા કમિશનમાં ખોટી રીતે વધારો કરી પોતે ઓળવી ગયાનો તેમજ કંપનીનો ખાનગી ડેટા ચોરી હરીફ કંપનીને વેચી મારી અંદાજે રૂા. દોઢ કરોડની છેતરપિંડી કરી હોવાની  પોલીસ ફરિયાદ દાખલ કરાઇ છે. સેકટર-4, ગાંધીધામ, કચ્છના  પ્રિતેશભાઇ કુશરાજ પારેખે અમદાવાદના વાડજ પોલીસ મથકે અમદાવાદના વેજલપુરમાં  રહેતા અંજુલ જ્ઞાનેન્દ્ર ગૌતમ વિરુદ્ધમાં રૂપિયા દોઢ કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે, વર્ષ 2013-2014થી આજ સુધી દરમ્યાન અમદાવાદમાં ઉસ્માનપુરા જીરાવાલા હાઉસ ખાતે આરોપીએ પ્રિતેશભાઇની કંપનીમાં નોકરી દરમ્યાન કંપનીના ગ્રાહકને કંપની તરફથી જે કમિશન આપવામાં આવે છે તે કમિશનમાં ખોટી રીતે વધારો કરી તેમાંથી અમુક રકમ મેળવી લઇ કંપનીનો ખાનગી ડેટા ચોરી તે ડેટા પ્રિતેશભાઇની હરીફ કંપની `બ્રાઇટ પેકેજિંગ કેવે એન્ટરપ્રાઇસ'ને પોતાના અંગત ફાયદા માટે વેચી ગુનાહિત લાભ મેળવી તે રકમ પોતાના ખાતા તથા તેમની પત્નીના ખાતામાં તેમજ પોતાના અંગત મિત્રવર્તુળના ખાતામાં જમા કરાવી 6 વર્ષ દરમ્યાન અંદાજે રૂપિયા 1,50,00,000 રૂપિયા મેળવી લઇ છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યો છે. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer