રતનાલમાં હિટ એન્ડ રન : રાહદારી યુવાનનું મૃત્યુ

ગાંધીધામ, તા. 18 : પૂર્વ કચ્છમાં માર્ગ અકસ્માત અપમૃત્યુના બે બનાવોમાં આધેડ અને રાહદારી યુવાનની જિંદગી ઉપર પૂર્ણવિરામ મુકાઈ ગયું હતું. અંજાર તાલુકાના રતનાલ ગામમાં વાહન હડફેટે મુકેશ કોલીનું ગંભીર ઈજાઓથી તત્કાળ મોત નીપજયું હતું. જ્યારે કંડલા બંદરે સાઉદી અરેબિયાથી આવેલા જહાજના ક્રુ ઈસ્માઈલ ઉમર મજગાઉકર(ઉ.વ.પ7)નું મોત નીપજયું હતું.પોલીસના સત્તાવાર સાધનોના જણાવ્યા પ્રમાણે અંજાર તાલુકાના રતનાલ ગામમાં માર્ગ અકસ્માતનો બનાવ ગઈકાલે સાંજના 7.30 વાગ્યાના અરસામાં બન્યો હતો. કોઈ અજાણ્યા વાહનચાલકે પૂર ઝડપે વાહન ચલાવી હતભાગી રાહદારી યુવાનને હડફેટે લીધો હતો. વાહનની ટક્કરથી રોડ ઉપર ફંગોળાઈ ગયો હતો. માથા સહિતના ભાગમાં ગંભીર ઈજાઓથી તેનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરુ ઊડી ગયું હતું. અકસ્માત સર્જી વાહનચાલક ફરાર થઈ ગયો હતે. પોલીસે રમેશ જીવા કોલીની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ  ધરી છે.બીજી બાજુ કંડલા મરીન પોલીસ મથકમાં અકસ્માત મોતના નોંધાયેલા બનાવની મળતી વિગતો મુજબ મહારાષ્ટ્રના રત્નાગીરીના રહેવાસી હતભાગી આધેડને ગત તા.27ના મધદરીયે હૃદયરોગનો હુમલો આવ્યો હતો. જે ઘાતક સાબિત થયો હતો. સાઉદી અરેબિયાથી દીનદયાલ બંદરે આવતું જહાજ આજે  કંડલા પહોંચતાં લાશનું પોસ્ટમોર્ટમ કરાવાયું હતું. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer