ભુજ સુધરાઈના કર્મીઓને હાયર સ્કેલ માટે પૂર્તતા કરવા કોર્ટનો આદેશ

ભુજ, તા. 18 : નગર સેવા સદનના કાયમી કર્મચારીઓને હાયર ગ્રેડ- ઉચ્ચતર પગાર ધોરણ સરકારી ધારાધોરણે અગાઉના હાયર સ્કેલ અપાયા બાદ 12-24નો લાભ આપવામાં આવ્યો નથી અને 9 વર્ષના એરિયર્સની રકમ પણ ચૂકવાઈ નથી જેને લઈને કર્મચારી અગ્રણીએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. દરમિયાન હાઈકોર્ટે આગામી તા. 1/5/19ના હાયર ગ્રેડની જે અધૂરાશો હોય તે પૂર્ણ કરી કોર્ટમાં રજૂ કરવા આદેશ કર્યો છે. કર્મચારી વતી અરજી કરનાર કામદાર અગ્રણી દર્શક અંતાણીના જણાવ્યા મુજબ ભુજ સુધરાઈમાં જે કાયમી કર્મચારીઓને 9-12-24નો રાજ્ય સરકારના કર્મચારીઓના ધોરણે લાભ આપવા જે-તે સમયે ભુજ નગરપાલિકાએ જરૂરી ઠરાવો કરી અને તે સમયે 26 જેટલા કર્મચારીઓએ લાભ મળે તે માટે પ્રાદેશિક નિયામક કચેરીમાં દરખાસ્ત મોકલી હતી અને પ્રા. નિયામકે 9 વર્ષનો લાભ આપવા જરૂરી આદેશ કર્યા હતા. બાદમાં 12 અને 24નો લાભ આપવા અને 9 વર્ષનું એરિયર્સ ચૂકવવા અનેક રજૂઆતો છતાં હાઈકોર્ટનું શરણ લીધું હતું. તે સમયે હાઈકોર્ટે લાભ આપવા માટે 2016માં મૌખિક ઓર્ડર કરી અને ચાર અઠવાડિયામાં નિર્ણય લેવા હાઈકોર્ટે કહ્યું હતું. તેમ છતાં સુધરાઈએ અને અન્ય તંત્રોએ દાદ નહીં આપતાં ફરી હાઈકોર્ટમાં ધારાશાત્રી શિવાંગભાઈ શાહ મારફતે દાદ માગી હતી. દરમ્યાન હાઈકોર્ટે તાજેતરમાં સુધરાઈને ઓર્ડર કરી અને સુધરાઈના કર્મચારીઓને હજુ સુધી લાભ કેમ નથી આપ્યો તેવું પૂછાણું લીધું હતું. આ કેસની દલીલો દરમ્યાન સરકારી વકીલે કોર્ટને કહ્યું હતું કે ભુજ ન.પા.ના  સીઓને 07/01ના પત્ર પાઠવી અને અધૂરાશો પૂર્ણ?કરવા કહ્યું હતું, દરમ્યાન સુધરાઈના જે તે સમયના મુખ્ય અધિકારીએ પણ આ પ્રશ્ને ઉકેલ લાવવાની ખાતરી આપી હતી. છતાં પણ કોઈ નિર્ણય ન લેતાં કોર્ટે ગંભીર નોંધ લીધી છે. આ હાયર ગ્રેડના પ્રશ્ને ડાયરેકટર ઓફ મ્યુનિસિપાલિટીને સુપરવિઝન કરવાનો નિર્દેશ કર્યે હતો અને ભુજ નગરપાલિકાને 10 દિવસમાં જરૂરી દરખાસ્ત પૂર્ણ કરી અને રાજકોટ પ્રાદેશિક કમિશનરને મોકલી આપવા હાઈકોર્ટે જણાવ્યું હતું. આ જવાબ તા.1/5ના રજૂ કરવા હાઈકોર્ટે ફરમાવ્યું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer