ગાંધીધામમાં શાળા તથા સંસ્થા દ્વારા ચલાવાયું મતદાન જાગૃતિ અભિયાન

ગાંધીધામ, તા. 18 : શહેરની પી.એન. અમરશી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્ટાફગણે વોર્ડ નં 10/એના મતદાતાઓને મતદાન અંગે સંકલ્પ લેવડાવ્યો હતો. તો બીજી બાજુ  સંકુલના મારવાડી યુવામંચ જાગૃતિ શાખાએ મતદાન જાગૃતિ  અભિયાન ચલાવ્યું હતું.  લોકશાહીના પર્વમાં વધુ ને વધુ લોકો જોડાય અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે   તે માટે  મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીના માર્ગદર્શન તળે પી.એન.અમરશી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓએ  વોર્ડનં 10/એના ગુરુકુલ વિસ્તાર, વિદ્યાનગર, ઈફકો ટાઉનશિપમાં  સંગીતના સૂરો અને સૂત્રોચ્ચાર, ગીતો વડે  મતદાન  કરવા  સંદેશો આપ્યો હતો.  આ અંતર્ગત 200 જેટલા સ્થાનિકોને  મતદાન અંગે શપથ લેવડાવ્યા હતા. શાળાના સી.ઈ.ઓ. ગુલશન ભટનાગર, આચાર્યે આ કાર્યને બિરદાવ્યું હતું.  23મીએ   મતદાન કરવા અંગે   મારવાડી યુવામંચ  જાગૃતિ શાખા દ્વારા  જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન  તળે જુદા-જુદા સૂત્રોના ચિત્રો અને ચલચિત્રોને સોશિયલમાં  મીડિયામાં મૂકીને લોકોને જાગૃત કરવા  પ્રયાસ કરવામાં આવ્યો હતો. જાગૃતિ શાખા દ્વારા મતદાન કરવાની અપીલ  સાથે બેનર  પણ લગાડવામાં આવ્યું હતું. આ અભિયાનમાં પ્રમુખ શ્વેતા મહેતા, મંત્રી જયોતિ જૈન, પૂર્વ રાષ્ટ્રીય ઉપપ્રમુખ સંગીતા શાહ, ઉપપ્રમુખ સુધા શાહ, ખજાનચી રાજુલ જૈન, સહમંત્રી મીના નાહટા વગેરે જોડાયા હતા.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer