કચ્છમાં મતદાનના દિવસે જિલ્લા કલેકટર દ્વારા રજા જાહેર કરાઇ

ભુજ, તા. 18 : લોકસભા- સામાન્ય ચૂંટણી અંતર્ગત કચ્છમાં તા. 23-4ના મતદાન છે. અધિક મુખ્ય નિર્વાચન અધિકારી, સામાન્ય વહીવટ વિભાગ (ચૂંટણી વિભાગ) ગાંધીનગરના જાહેરનામાથી તા. 23-4 મંગળવારના કચ્છ જિલ્લામાં રજા જાહેર કરવા ઠરાવાતાં જિલ્લા કલેકટર રેમ્યા મોહને એક હુકમ જારી કરી  મતદાનના દિવસે મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે વટાઉખત અધિનિયમ 1881 તેમજ 1948ના મુંબઇ દુકાનો અને સંસ્થા અધિનિયમ અને કારખાના અધિનિયમ 1948 હેઠળ રજા જાહેર કરી છે. જિલ્લા કલેકટરના હુકમ અન્વયે તા.23મી એપ્રિલે રજા જાહેર કરવામાં આવી હોઇ, બેંક તેમજ કોર્પોરેશનની કચેરીઓને અને સંસ્થાઓને લાગુ પડશે. લોકસભા કે રાજ્યની વિધાનસભાની ચૂંટણીઓમાં મત આપવાનો અધિકાર ધરાવતી દરેક વ્યકિત કોઇપણ વ્યાપાર, ધંધા, ઔદ્યોગિક એકમ અથવા અન્ય કોઇપણ સંસ્થામાં નોકરી કરતા હોય તેમને મતદાનના દિવસે રજા મંજૂર કરવી. કોઇપણ વ્યકિતના વેતનમાંથી કોઇ કપાત કે સુધારો કરવાનો રહેશે નહીં અને જો આવી વ્યકિત સામાન્ય રીતે આવા દિવસે વેતન નહીં મેળવે તેવા આધારે નોકરી ઉપર રાખવામાં આવેલ હોય છતાં પણ તેવી વ્યકિતને રજા આપવામાં આવી ન હોત અને તે દિવસે તેને જે વેતન મળવાપાત્ર હોય તેટલું વેતન મંજુર કરવાનું રહેશે. લોકપ્રતિનિધત્વ અધિનિયમ-1951ની કલમ-135 બી ની જોગવાઇ અનુસાર રોજમદાર/ કેજયુઅલ કામદારો પણ મતદાનના દિવસે રજા અને વેતનના હક્કદાર રહેશે. આ સૂચનાનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે તેવું જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા જણાવાયું છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer