અખાત્રીજે કડવા પાટીદારના 11 ગામો 172 લગ્નની શરણાઇથી ગાજી ઊઠશે

વિથોણ (તા. નખત્રાણા), તા. 18 : અખાત્રીજે કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના 11 ગામોમાં સમૂહ લગ્નો યોજાશે જેમાં 172 જેટલા યુગલો સમાજજનોની હાજરીમાં પ્રભુતામાં પગલાં માંડશે. આ વર્ષે પાટીદાર સમાજ નિર્મિત સમૂહલગ્ન આયોજન સમિતિના માર્ગદર્શન હેઠળ કચ્છના પાટીદારોની વસ્તી ધરાવતા જુદા જુદા 11 ગામોમાં લગ્નોની શરણાઇઓ વાગશે. 172 મીંઢળ બંધાશે. ચોરીના ચાર ફેરા ફરીને લગ્ન જીવનની કેડી ઉપર પગરવ માંડશે. આ વર્ષે વાંઢાયમાં 37, ગઢશીશામાં 13, વિથોણમાં 25, નખત્રાણામાં 19, કોટડા (જ.)માં 3, મથલમાં 8, નેત્રામાં 7, રવાપરમાં 16, દયાપરમાં 14, માંડવી 17, જ્યારે પૂર્વ કચ્છના 8 ગામોના સંયુક્તપણે કોટડા (ચ.) ખાતે 13 લગ્નો, યોજાશે. આ લગ્નો જ્ઞાતિ પરંપરા મુજબ યોજાશે. લગ્નોમાં મળતી ભેટ સોગાદો દરેક કન્યાને વિદાય પૂર્વે આપી દેવામાં આવે છે.પાછલા ચાર વર્ષથી વિથોણ ખાતે 2 દિવસીય લગ્નોત્સવ યોજાય છે. અખાત્રીજના પૂર્વ દિવસે સામૂહિક મામેરા વિધિ લગ્ન સ્થળે યોજાય છે. બન્ને દિવસના ભોજનના દાતા હોય છે. સમૂહલગ્ન સમિતિના નેજા હેઠળ વિથોણ, આણંદસર પાટીદાર સમાજો યુવક તેમજ મહિલા મંડળના સથવારે યોજાય છે. સમૂહલગ્નોમાં વરવધૂને આર્શીવાદ આપવા  અ.ભા.ક.ક. પાટીદાર (કેન્દ્રીય) સમાજ યુવા તેમજ મહિલા સંઘના હોદ્દેદારો વિવિધ ટીમો સાથે દરેક ગામના સમૂહ લગ્નો સ્થળે જાય છે અને લગ્નો સમૂહમાં કરવા ભાર મૂકે છે. સમૂહ લગ્નોની સફળતામાં સૌથી મોટું યોગદાન દાતાઓ તેમજ સ્વયં સેવકોનું હોય છે.  

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer