નવી સરકાર પાસે કચ્છના ઉદ્યોગકારોની અપેક્ષા ઘણી

નવી સરકાર પાસે કચ્છના ઉદ્યોગકારોની અપેક્ષા ઘણી
ગાંધીધામ, તા. 17 : આગામી લોકસભા ચૂંટણી માટે કચ્છમાં મતદાનના આડે જૂજ દિવસો જ બાકી રહ્યા છે. આગામી એક મહિના બાદ કેન્દ્રમાં રચાનારી નવી સરકાર પાસે કચ્છના ઉદ્યોગજગતને શું અપેક્ષા છે ? તે અંગે જાણવાનો પ્રયાસ કરાયો છે. ત્યારે કચ્છમાં ઉદ્યોગજગતના વિકાસની વિપુલ તકો રહેલી છે તેને વિકસાવવા નવી સરકાર સરળ નવી નીતિ બનાવે તથા દેશના વિવિધ રાજ્યો સાથે વિમાની સેવાનો વ્યાપ વધારવા સહિતની અનેક અપેક્ષાઓ ઉદ્યોગજગત સેવી રહ્યું છે. કચ્છમાં સ્થપાયેલા ઉદ્યોગગૃહોના સંગઠન ફેડરેશન ઓફ કચ્છ ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશનના એમ.ડી. નિમિષ ફડકેએ કચ્છમાં ઉદ્યોગો માટે માળખાકીય સુવિધાઓમાં વધારો કરવાની માંગ મુખ્ય હોવાનું કહ્યું હતું. હાલ કચ્છ વિમાની સેવા સાથે માત્ર મુંબઈ સાથે જ સંકળાયેલું છે, ત્યારે દિલ્હી અને દેશના અન્ય શહેરોને સાંકળતી વિમાની સેવા શરૂ કરાય, ભુજમાં નવું એરપોર્ટ બનાવવામાં આવે તેમજ કંડલા એરપોર્ટનું વિસ્તૃતિકરણ કરાય અથવા નવું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવાની દિશામાં નવી સરકાર વિચારે તે જરૂરી હોવાનું ઉમેર્યું હતું. આ ઉપરાંત મુંદરા- ગાંધીધામથી જયપુર સુધી અને ગાંધીધામથી અમદાવાદ સુધી રેલવે ટ્રેકનું વિદ્યુતીકરણ કરવાની દિશામાં કાર્યવાહી કરાય તે ઉદ્યોગજગત માટે જરૂરી છે. કચ્છમાં દરિયાનાં પાણીને મીઠું કરવા માટેના ડિસેલિનેશન પ્લાન્ટ માટે કેન્દ્ર સરકાર યોગ્ય નીતિ બનાવે તેમજ કચ્છના સૌથી મોટા એવા મીઠા ઉદ્યોગના રેલ અને રોડ માર્ગે થતા પરિવહનમાં સબસિડી આપવામાં આવે તેવી અપેક્ષા તેમણે વ્યકત કરી હતી. કચ્છની અગ્રણી વ્યાપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશ ગુપ્તાએ કેન્દ્ર સરકાર પાસે ઉદ્યોગજગતની અપેક્ષાઓ અનેક હોવાનું જણાવતાં કહ્યું હતું કે ગાંધીધામથી વિમાની સેવાનો વ્યાપ વધારવો  એ સમયની માંગ છે. વિમાની સેવા સીમિત હોવાનાં કારણે ઉત્તર ભારતના વેપારીઓ અહીં આવી શકતા નથી. આ ઉપરાંત ટેક્સ બેનિફિટ આપવામાં આવે તેવી માંગ પણ તેમણે દોહરાવી હતી. ગાંધીધામ-કંડલાના જમીનના પ્રશ્નો નિવારવાની દિશામાં નવી સરકાર ત્વરિત કાર્યવાહી કરે તેવી અપેક્ષા વ્યકત કરી હતી. ગાંધીધામ ચેમ્બરના માનદ્ મંત્રી અને શિપિંગ ઉદ્યોગકાર આશિષ જોષીએ કચ્છમાં ભૌગોલિક  દષ્ટિએ વ્યાપક જમીન અને વિશાળ દરિયાકિનારો છે ત્યારે દરિયાઈ વ્યાપારની વૃદ્ધિ માટે તેમજ જમીન અંગેની સરળ નીતિ બનાવે તેવી અપેક્ષા વ્યકત કરી હતી. ઉદ્યોગોને નાણાકીય ભંડોળ માટે ઓછા વ્યાજની લોનની સુવિધા ઉપલબ્ધ કરાવાય તેવી અપેક્ષા પણ વ્યકત કરી હતી. દેશના ઉદ્યોગો આંતરરાષ્ટ્રીય ઉદ્યોગ સામે ટકી શકે તેવી નીતિ બનાવવાની માંગ પણ તેમણે કરી હતી. એશિયાના સૌથી મોટા એવા કંડલા સંકુલના ટિમ્બર ઉદ્યોગકારોના સંગઠન કંડલા ટિમ્બર એસોસીએશનના પ્રમુખ નવનીત ગજ્જરે ટિમ્બર ઉદ્યોગ જીએસટીના કારણે ભારે ભીંસમાં મુકાયો હોવાનું જણાવી ટિમ્બર ઉપર 18 ટકાના બદલે ઓછો જીએસટી કરાવાય તે મુખ્ય માંગ હોવાનું તેમણે જણાવ્યું હતું. આ ઉપરાંત મિથાઈલ બ્રોમાઈલ દવા ઉપર વિદેશમાં પ્રતિબંધ હોવાથી તેના વિકલ્પમાં અન્ય દવાના છંટકાવ કરવાની લાંબા અરસાની માંગ અંગે ત્વરિત કાર્યવાહી કરાય તેવું તેમણે ઉમેર્યું હતું. ઉદ્યોગકાર બાબુભાઈ ભીમાભાઈ હુંબલે ગાંધીધામ સંકુલની લીઝ હોલ્ડ જમીનનો પ્રશ્ન ત્વરિત ઉકેલાય, જીએસટીના માળખામાં હજુ સરળીકરણની આવશ્યકતા હોવાનું કહ્યું હતું. ગાંધીધામ સંકુલના પોર્ટ સંબંધી પ્રશ્નો કેન્દ્ર સુધી પહોંચે તે માટે ડીપીટીના બોર્ડમાં સ્થાનિક લોકોને સમાવાય તેવી અપેક્ષા વ્યકત કરી હતી. ગાંધીધામ વેપારી મંડળના પ્રમુખ રાજુ ચંદનાનીએ મધ્યમવર્ગના વેપારીઓ ભારે મુશ્કેલી અનુભવતા હોવાનું જણાવી તે દિશામાં સરકાર કોઈ યોજના  અમલી કરે તેવી અપેક્ષા વ્યકત કરી હતી. જીએસટી અને નોટબંધીના કારણે વેપારીઓની હાલત કફોડી બની છે. આ ઉપરાંત ઓનલાઈન વ્યવસાય ઉપર નિયંત્રણ લવાય તેવી માંગ પણ તેમણે કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer