ભુજમાં આજે જાહેરસભા ગજવશે રાહુલ ગાંધી

ભુજમાં આજે જાહેરસભા ગજવશે રાહુલ ગાંધી
ભુજ, તા. 17 : લોકસભાની ચૂંટણી અન્વયે પ્રચાર-પ્રસાર અનુસંધાને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પક્ષ દ્વારા વડાપ્રધાન પદ માટે જાહેર કરાયેલા રાહુલ ગાંધી આવતીકાલે તા. 18મી ગુરુવારે કચ્છ અને ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ભુજ ખાતે તેઓ જાહેરસભાને સંબોધશે. વીસ હજાર લોકોની ઉપસ્થિતિને કેન્દ્રમાં રાખીને આ સભા માટે વ્યવસ્થા તૈનાત કરવામાં આવી છે. રાહુલની સાથે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમીત ચાવડા પણ આવશે. કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી આવતીકાલે ઢળતી બપોરે ખાસ હેલિકોપ્ટર મારફતે ભુજ એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા બાદ સીધા શહેરમાં મિરજાપર રોડ ઉપર હોટલ પ્રિન્સ રેસિડેન્સીની સામે સભાના સ્થળે પહોંચી જાહેરસભા સંબોધશે. આ પછી તેઓ સુરત જવા રવાના થશે અને રાત્રિરોકાણ ત્યાં જ કરશે.   ભુજમાં મિરજાપર રોડ ઉપર રાહુલની સભા માટેના સ્થળે 20 હજાર લોકો એકત્ર થઇ શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સભામાં આવનારા લોકો માટે છાંયડા અને પાણી સહિતની જરૂરી વ્યવસ્થાને પણ આખરી ઓપ અપાઇ ચૂકયો છે તેવું કોંગ્રેસના પ્રદેશ પ્રવકતા મનીષ દોશી અને જિલ્લાના પ્રવકતા ઘનશ્યામાસિંહ ભાટીએ જણાવ્યું હતું. આ બન્ને અગ્રણીએ ઉમેર્યું હતું કે સભાથી પહેલાં કચ્છી સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ થશે, જેમાં મુરા લાલા સહિતના કલાકારો પેશ થશે. ભુજની જાહેરસભાના ઇન્ચાર્જ તરીકે પ્રદેશ સ્તરના નેતા ખુરશીદ સૈયદ અને મહારાષ્ટ્ર સરકારના માજી મંત્રી ડો.અવિનાશ વાગજુકરને જવાબદારી સોંપવામાં આવી છે. રાહુલ ગાંધી સક્રિય રાજકારણમાં આવ્યા પછી ત્રીજીવાર કચ્છની મુલાકાતે આવતીકાલે આવી રહ્યા છે. આ અગાઉ તેઓ યુવા કોંગ્રેસના કાર્યક્રમમાં ભુજ, વિધાનસભા ચૂંટણી સમયે અંજાર અને હવે લોકસભા ચૂંટણી પ્રસંગે પુન: ભુજ આવી રહ્યા છે. દરમ્યાન ઝેડ. પ્લસ સુરક્ષા વ્યવસ્થા ધરાવતા રાહુલ ગાંધીના કાર્યક્રમને લઇને પોલીસદળ દ્વારા સુરક્ષાની વિશેષ વ્યવસ્થા ઊભી કરી આ માટે ખાસ બંદોબસ્ત સ્કીમ તૈયાર કરીને તેને આખરી ઓપ અપાઇ ચૂકયો છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer