આદિપુરમાં બારાતુ બુકીઓના ક્રિકેટના મોટા સટ્ટાનો પર્દાફાશ

આદિપુરમાં બારાતુ બુકીઓના ક્રિકેટના મોટા સટ્ટાનો પર્દાફાશ
ગાંધીધામ, તા. 17 : આઈ.પી.એલ.ની મેચ શરૂ થતાંની સાથે કચ્છમાં ક્રિકેટ સટ્ટો ફુલ સ્વિંગમાં છે ત્યારે સટોડિયા તત્ત્વોને નાથવા પોલીસે પણ લાલ આંખ કરી છે.  આદિપુરમાં ગત ભાંગતી રાત્રે એલસીબી અને એસ.ઓ.જીની ટુકડીએ સયુંકત દરોડો પાડી પોશ  વિસ્તારના મકાનમાં રમાતા ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ કર્યો હતો. પોલીસે અડધા લાખથી વધુની રોકડ રકમ, આધુનિક ઉપકરણો વાહનો સહિત 27 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આઈ.પી.એલ. શરૂ થયા બાદ  કચ્છમાં ક્રિકેટ સટ્ટા ઉપર કરાયેલી મોટી કાર્યવાહી અંગે પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ  પૂર્વ બાતમીના આધારે આદિપુરના વોર્ડ 3-બી મૈત્રી બંગલો નંબર 3માં આ કાર્યવાહી કરાઈ હતી. મોરબીનો રહેવાસી આરોપી અબ્દુલ હમીદ ચનિયા મકાન ભાડે રાખી ક્રિકેટ સટ્ટો રમાડતો હોવાની બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. મકાનમાં મોડીરાત્રે રાજસ્થાન રોયલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબની મેચ ઉપર  રન ફેરનો સટ્ટો રમાતો હતો ત્યારે એલ.સી.બી. અને એસ.ઓ.જી.ની ટુકડીએ ત્રાટકી બાજી બગાડી હતી. આ કાર્યવાહી દરમ્યાન  મુખ્ય સૂત્રધાર અબ્દુલ હમીદ ઉપરાંત ભાવેશ જગદીશ પંડયા(રાજકોટ), મહમદહનીફ ઉર્ફે બાબો ગુલામ ચનિયા (રાજકોટ), ઈસ્માઈલ નૂરમામદ ચનિયા (મોરબી), શોકત અલારખા ચનિયા (મોરબી), રહીમ જુમા ચનિયા (રાજકોટ), યુનુસ કાસમ સિંધી (મુસ્લિમ) (મોરબી), આસીફ તૈયબ અધામ (મોરબી), ફારૂક અબુભાઈ પોપટાણી (ગારિયાધાર) અને મૌસીમ મહમદ માંજોઠી (મોરબી) સહિત 10 શખસોને ઝડપી પાડયા હતા. આરોપીઓના કબજામાંથી રૂ.2.49 લાખની કીંમતના 72 નંગ મોબાઈલ ફોન, 10.05 લાખની કીંમતના પાંચ નંગ લેપટોપ, 44 હજારની કીંમતના ત્રણ નંગ એલ.ઈ.ડી. ટીવી, 95 હજારની કીંમતના ચાર નંગ કોમ્યુનીકેટર મશીનો, રૂ.54,200 રોકડા અને રૂ.7,800ના અન્ય સાધનો, રૂ.22.20 લાખની કીંમતના વાહનો સહિત રૂ.27.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપીઓ આઈપીએલની લાઈવ મેચ ઉપર કોમ્યુનીકેટર જેવા આધુનિક સાધનો વડે મોબાઈલ ફોન ઉપર રનફેરનો હારજીતનો જુગાર રમાડતા હતા. સફેદ કલરના એસેમ્બલ કોમ્યુનીકેટર મશીનમાં 17 જેટલા મોબાઈલ ફોન જોડાયેલા હતા. આ મશીનના આધારે બુકીઓના સાથે સંપર્કમાં રહી અને ભાવતાલ મુજબ બુકીઓ સાથે સોદા કરાતા હતા. આ અંગે આદિપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલા તમામ બુકીઓ પૈકી સ્થાનિકનો કોઈ નથી. ઝડપાયેલા તમામ આરોપીઓ મોરબી અને રાજકોટના રહેવાસીઓ છે. સ્થાનિક  પોલીસને સેકશન ન આપવા પડે તે માટે બહારના શહેરના બુકીઓ અહીં આવી  સટ્ટો રમાડતા હોય છે. આરોપીઓ બોબડી કાર્ડથી લાઈન ચલાવતા હતા. બોબડી કાર્ડથી મેચના ભાવ કોમ્યુનીકેટરના માધ્યમથી બુકીઓ પાસેથી સાંભળતા હતા અને 70થી વધુ મોબાઈલ ફોન એક સાથે જોડી ગુજરાતના બુકીઓ પાસેથી મોટો સોદો નક્કી કરી હારજીતનો મોટી રકમનો સોદો કરતા હોવાનું પોલીસે કહ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer