માંજુવાસ પાસેથી 22.38 લાખનો દારૂ ઝડપાયો

માંજુવાસ પાસેથી 22.38 લાખનો દારૂ ઝડપાયો
ગાંધીધામ, તા. 17 : લોકભાની ચૂંટણી જાહેર થયા બાદ શરાબની બદી ડામવા પોલીસે કમર કસી છે. અગાઉ લાખોની કિંમતનો અંગ્રેજી શરાબનો જથ્થો ઝડપી પાડયા બાદ તાજેતરમાં રાજસ્થાનથી કચ્છમાં શરાબ ઘુસાડવાના કારસાને વિફળ બનાવાયો હતો. રાપર તાલુકાના માંજુવાસ પાસે કરાયેલી આ કાર્યવાહી દરમ્યાન શરાબની પેટીઓ સહિત 30.50 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. પોલીસના સત્તાવાર સાધનોના જણાવ્યા પ્રમાણે પૂર્વ બાતમીના આધારે રાપર પોલીસે ગત મોડી રાત્રે માંજુવાસ ફતેહગઢ વચ્ચે નર્મદા કેનાલના પુલ પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબ આર. જે. 19. જી. એ. 9099 નંબરની ટ્રક પસાર થતાં તેને રોકી તપાસ કરાઈ હતી. તપાસ દરમ્યાન ટ્રકમાં કુદરતી છાણિયા ખાતરની આડમાં છુપાવાયેલો અંગ્રેજી શરાબનો જથ્થો નીકળી પડયો હતો. ટ્રકમાંથી અંગ્રેજી પ્રકારના શરાબની જુદી-જુદી બ્રાન્ડની 500 પેટીઓ સાથે આરોપી સુરેશ ભવરલાલ સાલવી અને નરેન્દ્ર ઉર્ફે લતારામ કેવલરામજી ગર્ગની પોલીસે ધરપકડ કરી હતી. ઝડપાયેલા શરાબના જથ્થાની કિંમત રૂા. 22.38 લાખ આંકવામાં આવી  છે.  આ કાર્યવાહી દરમ્યાન  રૂા. 8 લાખની કિંમતની ટ્રક, બે મોબાઈલ ફોન અને રોકડા રૂા. 7,400 સહિત રૂા. 30.50 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો છે. પોલીસે વધુ એક વખત જંગી શરાબનો જથ્થો ઝડપી પાડતાં મતદારોને શરાબની લાલચ આપવાના રાજકીય પાર્ટીઓના મનસુબા ઉપર પાણી ફરી વળ્યું છે. કચ્છ બોર્ડર રેન્જના ડીઆઈજી ડી. બી. વાઘેલાની સૂચના અને પૂર્વ કચ્છ પોલીસવડા પરીક્ષિતા રાઠોડ અને ભચાઉના નાયબ પોલીસવડા કે. જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ રાપરના ઈન્ચાર્જ પી.આઈ. જે. એચ. ગઢવી, પી.એસ.આઈ. એન. વી રેહવર, પી.એસ.આઈ એ. બી. ચૌધરી અને સ્ટાફ જોડાયો હતો. પોલીસે ઝડપાયેલા આરોપીઓની કડક પૂછપરછ  હાથ ધરી છે. દરમ્યાન વધુમાં મળતી વિગતો મુજબ આરોપીઓ કચ્છમાં કોને અને કયાં શરાબનો જથ્થો પહોંચાડવાના હતા તે સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઝડપાયેલા બન્ને આરોપીઓને 7 દિવસના રિમાન્ડની માંગ સાથે અદાલતમાં રજૂ કરવાની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer