કચ્છ-ભુજમાં ભાજપના રોડ - શો તથા સભામાં છોટે મોદીનું આકર્ષણ

કચ્છ-ભુજમાં ભાજપના રોડ - શો તથા સભામાં છોટે મોદીનું આકર્ષણ
ભુજ, તા. 17 : કચ્છમાં ભાજપના દિગ્ગજ નેતાઓના રોડ-શો અને પ્રચાર સભામાં દિલ્હીથી છોટે મોદી તરીકે ખ્યાતિ પામેલું બાળક ખાસ ઉપસ્થિત રહેશે. લોકસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે અને ઉચ્ચકક્ષાના નેતાઓ સભાઓ ગજવવા આવી રહ્યા છે ત્યારે તા. 18/4ના બે નેતા સાથે દિલ્હીના છોટે મોદી તરીકે જાણીતા બનેલા માત્ર ત્રીજા વર્ગમાં અભ્યાસ કરતા અત્રી દવે પણ રોડ-શો અને સભામાં જોડાઇ ભાજપના ઉમેદવાર વિનોદભાઇ ચાવડાનો પ્રચાર કરશે. આવતીકાલે કચ્છ આવતા અમદાવાદ પૂર્વના ભાજપના ભૂતપૂર્વ સાંસદ પરેશભાઇ રાવલ તથા પ્રદેશ અનુ. જાતિ મોરચાના પ્રમુખ શંભુનાથજી ટુંડિયા ભુજમાં રોડ-શો યોજશે તેમજ માધાપર ખાતે સભા સંબોધશે. આ અવસરે મૂળ જૂનાગઢના અને હાલ દિલ્હી સ્થિત તેમજ અમિત શાહ, મનોજ તિવારી, યોગી આદિત્યનાથ સહિતના દિગ્ગજ નેતાઓ સાથે સભાઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અદામાં ભાષણ આપી નાની ઉમરે જ પ્રખ્યાત બનેલા માત્ર ત્રીજા વર્ગમાં અભ્યાસ કરતા છોટે મોદી અત્રી દવે ભુજમાં રોડ-શોમાં જોડાશે તેમજ  સભામાં પણ લાક્ષણિક અદાઓથી ઉપસ્થિતોને સંબોધશે તેવી માહિતી પ્રાપ્ત થઇ છે. નાની ઉમરે જ સમાચારોમાં ખાસ રુચીને પગલે તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સભા નિહાળી તેમની જ સ્ટાઇલમાં લોકોને સંબોધવાની કળા હાંસલ કરનાર અત્રી દવે દરેક સભામાં આકર્ષણનું કેન્દ્ર બને છે. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિતના અગ્રણીઓના હસ્તે અત્રીનું સન્માન પણ કરાયું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer