દીનદયાળ મહાબંદરના માળખાંકીય વિકાસને ખાસ પ્રાધાન્ય અપાશે

દીનદયાળ મહાબંદરના માળખાંકીય વિકાસને ખાસ પ્રાધાન્ય અપાશે
ગાંધીધામ, તા. 17 : દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના નવનિયુકત અધ્યક્ષ અને ગુજરાત કેડરના ભારતીય વન સેવા  અધિકારી સંજયકુમાર મહેતાએ આજે પોતાનો કાર્યભાર સત્તાવાર સંભાળી લીધો હતો. તેમણે એક ખાસ વાતચીતમાં ઙ્કકરછમિત્રઙ્ખ ને જણાવ્યું હતું કે મહાબંદરના માળખાંકીય વિકાસને તેઓ ખાસ પ્રાધાન્ય આપશે. આજે બપોર બાદ ડીપીટી પ્રશાસનીક ભવનમાં આવી પહોંચેલા શ્રી મહેતાએ ગુજરાતના વન વિભાગની સેવામાંથી મુકત થયા હોવાથી ડીપીટી ચેરમેન પદનો હવાલો સંભાળ્યો હતો. તેમનું ડીપીટીના વિભાગીય વડાઓ, અન્ય અધિકારીઓએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. ઙ્કકચ્છમિત્રઙ્ખ સાથેની વાતચીતમાં તેમણે મહાબંદરના  વિકાસની તકો, માળખાંકીય કાર્યો વિશે છણાવટ કરી હતી. ખાસ તો પર્યાવરણીય મંજૂરીને લઈને અટકી પડેલી યોજનાઓ સંદર્ભે જરૂરી એવા સી.આર.ઝેડ. નકશાની કાગીરી જલ્દી પૂર્ણ થાય તેવા પ્રયાસ હાથ ધરવા ખાતરી આપી હતી. નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે દેશના દરેક રાજયોને સી.આર.ઝેડ. નકશા તૈયાર કરવા જણાવ્યું હતું. જેમાં ગુજરાતના 17 કાંઠાળ જિલ્લાનો સમાવેશ થાય છે. હવે માત્ર કરછ અને મોરબી બે જિલ્લાના જ નકશા નહીં બન્યા હોવાથી આ અંગે નવનિયુકત અધ્યક્ષને પૂછતાં તેમણે શા કારણથી વિલંબ થયો છે તે જાણીને યોગ્ય કરવા ખાતરી આપી હતી. બંદર વપરાશકારો, કામદાર  સંગઠનો વગેરેના પ્રતિનિધિઓ પણ આજે અધ્યક્ષને ખાસ મળ્યા હતા અને તેમનું અભિવાદન કર્યું હતું. અત્રે એ ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી ચાર્જમાં ચાલતું ડીપીટી અધ્યક્ષપદ હવે પાંચ વર્ષ માટે નિયમિત ચેરમેનથી ભરી દેવાયું છે, જેથી સમગ્ર સંકુલને રાહત થઈ છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer