સમૂહ ભાગવતમાં શહીદોની પોથીએ શીશ નમ્યા

સમૂહ ભાગવતમાં શહીદોની પોથીએ શીશ નમ્યા
કેરા (તા. ભુજ), તા. 17 : સર્વ પ્રિયજન સ્મૃત્યાર્થે ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત સમૂહ ભાગવતમાં પુલવામા શહીદોની પોથીએ હજારો શીશ નમ્યા હતા. બુધવારે સંપ્રદાયના આચાર્યશ્રીએ પણ વંદન અર્પણ કર્યા હતા. 481 પોથીઓ સાથે ભુજ મંદિર આયોજિત છઠ્ઠી સમૂહ ભાગવત કથામાં સંપ્રદાય આચાર્ય કૌશલેન્દ્રપ્રસાદજી મહારાજની પધરામણી થઇ ત્યારે ચોવીસીના હરિભક્તોની હાજરીથી મંદિરનું વિશાળ પરિસર સાંકડું બની ગયું હતું. સમૂહ ભાગવત પિતૃઓના મોક્ષાર્થે છે તેથી વધુ સંતાનોએ પોતાના અક્ષરવાસી માવિત્રોના ગુણ સ્મરવા છે તેવું કહેતાં આચાર્યએ નરનારાયણદેવનો અખંડ આશરો હોય તેને ભગવાનનું ધામ પ્રાપ્ત થાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં કોઇ પિતૃ ભટકે જ નહીં તેવું કહ્યું હતું. વડીલ સંત પુરાણી પ્રેમપ્રકાશદાસજી સ્વામી, કોઠારી નારાયણમુનિદાસજી સ્વામીએ આશીર્વાદ આપ્યા હતા. મહંત સ્વામી ધર્મનંદનદાસજી, કોઠારી પાર્ષદવર્ય જાદવજી ભગતે કંપાલાથી જય સ્વામિનારાયણ પાઠવ્યા હતા. શબ્દ સંકલન શાત્રી ઉત્તમચરણદાસજી સ્વામીએ કર્યું હતું. શાત્રી દિવ્યસ્વરૂપ સ્વામી, શાત્રી પુરુષોત્તમસ્વરૂપ સ્વામી, શાત્રી ધર્મપ્રસાદ સ્વામી આદિ સંતો, મંદિરના કોઠારી રામજીભાઇ દેવજી વેકરિયા, ઉપકોઠારી મૂરજીભાઇ કરસન સિયાણી, શશિકાંતભાઇ ઠક્કર, જાદવજીભાઇ ગોરસિયા, લક્ષ્મણભાઇ હીરાણી સહિતના ટ્રસ્ટી મંડળની નોંધે લેવાઇ હતી. ભુજ સમાજ પ્રમુખ હરિભાઇ હાલાઇ, ગોપાલભાઇ ગોરસિયા, કે.કે. હીરાણી, અરજણભાઇ પિંડોરિયા તેમજ ત્રણેય પાંખોના સભ્યો પૈકીના હાજર રહ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer