રાપરનો પાણી પ્રશ્ન નહીં ઉકેલાય તો ઉગ્ર આંદોલનની ધારાસભ્યની ચીમકી

રાપર, તા. 17 : ઉનાળાના સમયમાં રાપરને પીવાનું ચોખ્ખું અને પૂરતું પાણી ન મળતાં ધારાસભ્ય સંતોકબેન આરઠિયાએ રાપર સેવા સદન સામે લાલ આંખ કરતાં ચીમકી આપી હતી કે તાત્કાલીક અસરથી પાણી પ્રશ્ન નહીં ઉકેલાય તો લોકોને સાથે રાખી ઉગ્ર આંદોલન કરાશે. ધારાસભ્ય શ્રીમતી આરેઠિયાએ જણાવ્યું હતું કે હાલમાં નગાસર તળાવને નર્મદા કેનાલ નંદાસરથી પાણી પહોંચાડાય છે. પરંતુ જ્યારે જ્યારે નર્મદા કેનાલ બંધ થાય ત્યારે ત્યારે રાપરના લોકોને દુષિત પાણી પીવાનો કે પછી તરસ્યા રહેવાનો વારો આવે છે. હાલના સમયમાં અંદાજે 40થી 50 હજારની વસ્તી ધરાવતા આ શહેરને પાણીના ખૂબ જ વધારે જથ્થાની જરૂર પડે છે. જ્યારે ઉનાળા જેવી અતિ ગંભીર ઋતુમાં કેનાલ ચાર મહિના બંધ રહે છે ત્યારે રાપરને પાણી સંપૂર્ણપણે મળતું નથી આથી લોકો ખૂબ જ પરેશાન થાય છે. જેથી લોકોમાં ખૂબ જ રોષ ભભૂકી  ઊઠે છે. આ સમસ્યાના નિરાકરણ રૂપે રાપરને ચાર મહિના સુધી પાણી મળી રહે તેવું મોટું પાણીનું સ્ટોરેજ સ્ટેશન નર્મદા કેનાલની બાજુમાં સરકારની ફાજલ જમીન પડી છે તેવી અંદાજે 10 એકર જમીનમાં 8થી 9 મીટર જેટલી ઊંડાઇવાળું આર.સી.સી.વાળું તૈયાર કરવા તેમણે માંગ કરી હતી. આ વ્યવસ્થા ન થાય ત્યાં સુધી બાદરગઢ ખાતેના સંપમાંથી દરરોજ 5000 કયુસેક લિટર જેટલા પાણીની વ્યવસ્થા કરવા ઉગ્ર માંગ કરી હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer