ભડલીની સગીરાના અપહરણ કેસમાં પોકસો બળાત્કાર ધારા તળે ફોજદારી

ભુજ, તા. 17 : નખત્રાણા તાલુકાના ભડલી ગામની સીમમાંથી સગીર વયની કન્યાનું અપહરણ થવાના સાતેક મહિના જૂના મામલામાં બળાત્કાર અને પોકસો ધારા સહિતની કલમો તળે વિધિવત ફોજદારી ગુનો દાખલ કરાયો હતો.પોલીસ સાધનોએ આ વિશેની વિગતો આપતાં જણાવ્યું હતું કે, ભોગ બનનારી સગીર વયની કન્યાની માતાએ આ પ્રકરણમાં મૂળ પંચમહાલ જિલ્લાના મલાકૂવા ગામના પ્રકાશ ફતાસિંહ નાયક નામના યુવક સામે ગઇકાલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. નખત્રાણા પોલીસે બળાત્કાર અને પોકસો તથા અપહરણ સહિતની કલમો તળે ગુનો દાખલ કરી આગળની છાનબીન હાથ ધરી હતી. ફરિયાદમાં જણાવાયા અનુસાર સાતેક મહિના પહેલાં આરોપી પ્રકાશ નાયક દ્વારા સગીરાનું લલચાવી-ફોસલાવીને અપહરણ કરાયું હતું. આ પછી કન્યાને વિવિધ જગ્યાએ લઇ જઇ તેની સાથે શરીર સંબંધ બાંધીને તેના ઉપર બળાત્કાર ગુજારવા સાથે તેનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું. તાજેતરમાં પોલીસ દ્વારા કન્યા સાથે આરોપીને હસ્તગત કરી લેવાયા બાદ ગઇકાલે આ ગુનો દાખલ કરાયો હતો. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer