જ્યારે ડીપીટીના બે લેબર ટ્રસ્ટીઓને જ બંદરમાં જતાં અટકાવી દેવાયા

ગાંધીધામ, તા. 17 : અહીંના દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના બે લેબર ટ્રસ્ટીઓને ગઈકાલે કેન્દ્રીય ઔધોગિક સુરક્ષા દળના જવાનોએ બંદરની અંદર જતાં લાંબો સમય અટકાવ્યા હતા. આ બનાવથી સમગ્ર પ્રશાસનમાં ચકચાર પ્રસરી છે. જો સી.આઈ.એસ.એફ.ની સુરક્ષા આટલી બધી મજબૂત હોય તો પછી બંદરની અંદરથી માલસમાનની ચોરી કેવી રીતે થાય છે તે પ્રશ્ન તેને લઈને ખડો થયો છે. અત્યંત વિશ્વાસપાત્ર સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ગઈકાલે બે લેબર ટ્રસ્ટી પોતાની ગાડીમાં બંદર ઉપર ગયા હતા. મુખ્ય દરવાજે સી.આઈ.એસ.એફ.ના જવાનોએ કારને રોકી જરૂરી ઓળખપત્ર, મંજૂરીપત્ર ચકાસ્યા હતા. સી.આઈ.એસ.એફ. મહાબંદરની સુરક્ષા અર્થે જે બોર્ડના નિર્ણયથી લગાડાઈ છે એ ડીપીટી બોર્ડના આ બંને ટ્રસ્ટીઓના ઓળખપત્ર જોઈ લીધા પછી જવાનોએ તેમને ત્વરિત જવા દેવા જોઈએ પણ અહીં તો કડક સુરક્ષા છે એટલે મામલો કાર ચાલકના પાસ અને પછી કારની મંજૂરી સુધી પહોંચ્યો હતો. આ લમણાંઝીંકને લઈને ડીપીટી પ્રવેશદ્વારે વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. પોલીસ મથકોમાં જેમના ઙ્કવોન્ટેડઙ્ખ તરીકેના ફોટા ચોંટાયેલા છે તેવા કેટલાક કુખ્યાત લોકો બંદરની અંદર આરામથી ફરતા હોવાનું ભૂતકાળમાં સપાટી ઉપર આવ્યું છે અને લાકડાંથી માંડીને ડીઝલ સુધીની ચીજો બંદરની અંદરથી ચોરી જવાય છે ત્યારે આટલી કડક સુરક્ષા કેમ કંઈ કરી શકતી નથી તેવો સવાલ ચોક્કસ ઊઠી રહ્યો છે. અલબત્ત આ બંને લેબર ટ્રસ્ટીઓએ આ વાતને પ્રતિષ્ઠાનો પ્રશ્ન નથી બનાવ્યો પરંતુ અનેક લોકોને સી.આઈ.એસ.એફ.ના કડવા અનુભવો થઈ રહ્યા છે. ભૂતકાળમાં એક જવાબદાર કર્મચારીનું લેપટોપ છીનવી લેવાયું હતું ત્યારે પણ તે અંગે ફરિયાદ થઈ હતી. ડીપીટીના જવાબદાર અધિકારીઓનું પણ સી.આઈ.એસ.એફ. પાસે સુરક્ષાના નામે કંઈ ચાલતું નહીં હોવાનું ચર્ચાઈ રહ્યું છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer