પંતથી સારા કીપિંગ અનુભવને લીધે કાર્તિકને તક : પ્રસાદ

મુંબઇ, તા. 1પ : ભારતની વિશ્વકપ ટીમમાં બીજા વિકેટકીપર તરીકે દિનેશ કાર્તિક અને નંબર 4 પર અંબાતિ રાયડૂના સ્થાને વિજય શંકર પર પસંદગીકારોએ ભરોસો મૂકયો છે. દિનેશ કાર્તિકને ટીમમાં સામેલ કરવા પર મુખ્ય પસંદગીકાર એમએસકે પ્રસાદે એવી સ્પષ્ટતા કરી છે કે અમે બેઠકમાં યુવા વિકેટકીપર રિષભ પંત પર ઘણી ચર્ચા કરી, પણ વિકેટકીપિંગ સ્કિલ્સ, અનુભવ અને દબાણની સ્થિતિમાં ફિનિશરની ભૂમિકા નજરે રાખીને કાર્તિકની પસંદગી કરી હતી. પંત વિરુદ્ધ બીજું કોઇ કારણ ન હતું. પાછલા એક મહિનાથી આ યુવા ખેલાડી પર ઘણી ચર્ચા કરી. અમારે એક અનુભવી મિડલઓર્ડર બેટસમેનની જરૂર હતી. જે શાંત રહીને મોરચો સંભાળી શકે. જેમાં કાર્તિક ખરો ઊતરતો હોવાથી પંતને બદલે તેનો ટીમમાં સમાવેશ કરાયો છે. જો કે પ્લેઇંગ ઇલેવનમાં તે હશે કે નહીં, તે હું કહી શકું નહીં. તે કામ કોચ અને કેપ્ટનનું છે. પ્રસાદે એમ પણ કહ્યંy કે ચેમ્પિયન્સ ટ્રોફી બાદ અમે મિડલ ઓર્ડરમાં અનેક બેટસમેનને તક આપી. દિનેશ કાર્તિક, અંબાતિ રાયડૂ, મનીષ પાંડે અને વિજય શંકરને અજમાવવામાં આવ્યા. અમારું માનવું છે કે ઇંગ્લેન્ડની પરિસ્થિતિમાં વિજય શંકર ઉપયોગી બની રહેશે. આથી તેને તક આપી. તે સારો બોલર પણ છે. પ્રસાદે એમ પણ જણાવ્યું કે ચોથા ઝડપી બોલર તરીકે ખલીલ અહેમદ અને નવદીપ સૈનીના નામ પર ચર્ચા થઇ હતી, પણ આખરે ત્રીજા સ્પિનર તરીકે અનુભવી રવીન્દ્ર જાડેજાને તક આપી છે. તે સારો ફિલ્ડર અને ઉપયોગી બેટ્સમેન પણ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer