ગાંધીધામ સંકુલમાં વેગીલો પવન ફૂંકાતાં અનેક સમસ્યા

ગાંધીધામ, તા. 15 : ઉનાળાની ગરમી વચ્ચે વાતાવરણમાં આવેલા એકાએક બદલાવ સાથે ફૂંકાતા વેગીલા પવનને પગલે સંકુલના લોકોને અનેક પ્રકારની હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. આ સ્થિતિમાં વીજ સમસ્યા સંદર્ભે તંત્રના ચોપડે 200 જેટલી ફરિયાદ દર્જ થઈ હોવાના અહેવાલ સાંપડયા હતા. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી ગરમીથી લોકો રીતસર ત્રાહિમામ પોકારી ઊઠયા છે એવામાં આજે સવારથી વાતાવરણમાં આવેલા બદલાવ સાથે આકાશ વાદળછાયું બન્યું હતું. અચાનક વેગીલો પવન ફૂંકાવાનો શરૂ થતાં અનેક લોકોના ઘરમાં ધૂળ અને કચરો જમા થયો હતો. દિવસભર ફૂંકાયેલા પવને વાહનચાલકવર્ગ માટે મુશ્કેલીઓ સર્જી હતી. સાંજના સમયે શહેરના અનેક સ્થળે છાંટા પડયા હોવાનું લોકોએ જણાવ્યું હતું. ઝડપભેર ચાલતી હવાને કારણે અનેક સ્થળે વીજ વાયર તૂટયા હતા. શહેરની મુખ્ય બજારમાં વીજપોલ પડયો હોવાની વિગતો પ્રાપ્ત થઈ હતી. સંકુલના વીજતંત્રના ત્રણ ડિવિઝનમાં 200થી વધુ ફરિયાદો અને અંદાજિત 20 જગ્યાએ વાયર તૂટયા હોવાનું વીજતંત્રના વર્તુળોએ જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer