ભુજે દોડીને આપ્યો મતદાનનો સંદેશ

ભુજે દોડીને આપ્યો મતદાનનો સંદેશ
ભુજ, તા. 14 : લોકસભા ચૂંટણીના રાષ્ટ્રવ્યાપી માહોલ વચ્ચે દેશભરમાં મતદાન જાગૃતિની ઝુંબેશ છેડાઇ છે ત્યારે આ અભિયાનમાં દેશના છેવાડાના કચ્છના નાગરિકોને પણ જોડવાની સહિયારી પહેલ વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓએ હાથ ધરી હતી. `શ્રેષ્ઠ ભારતનાં નિર્માણ માટે મતદાન અનિવાર્ય શરત છે' તેવા સંદેશ સાથે રવિવારની સાંજે શહેરના હમીરસર તળાવના કાંઠેથી યોજાયેલી મતદાન જાગૃતિ માટેની મિની મેરેથોન `આઇ રન'માં નાગરિકો, પોલીસ જવાનો ઊલટભેર દોડયા હતા. દેશભક્તિ ગીતોની ધૂનો રેલાવતા પોલીસ બેન્ડની સુરાવલિઓ વચ્ચે હમીરસરનો કાંઠો ગુંજી ઊઠતાં લોકશાહી પર્વની ઉજવણીના માહોલમાં મિની મેરેથોનને પોલીસવડા સૌરભ તોલંબિયા તેમજ કચ્છમિત્રના તંત્રી દીપક માંકડના હસ્તે સ્ટાર્ટ અપાયો હતો. લાયન્સ ક્લબ, રોટરી ક્લબ ઓફ ભુજ વોલસિટી, ભુજ રનર્સ ક્લબ અને રાહગિરિ સહિત અણુવ્રત મહાસમિતિ અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી જેવી સંસ્થાઓ દ્વારા યોજિત મિની મેરેથોનમાં એલઇડી પર વીડિયો, ઇમેજીસ દ્વારા મતદાનનો સંકલ્પ લેવાની પ્રેરણા અપાઇ હતી. આ અવસરે શિવદાસ પટેલ, નાનુભાઇ ઠક્કર, આર.પી. નાથાણી, પ્રવીણ ગણાત્રા સહિત વરિષ્ઠ નાગરિકો તેમજ પહેલીવાર મતદાન કરનારા યુવાનોનું સન્માન કરાયું હતું. આ મિની મેરેથોન હોટેલ લેકવ્યૂ, મંગલમ ચાર રસ્તા, ગાયત્રી મંદિર રોડ, ખેંગાર પાર્કથી ફરીને પાછી પેન્શનર્સ ઓટલા પાસે પૂર્ણ થઇ હતી. આ અવસરે યુવાન કલાકાર કપિલ ગોસ્વામીનાં માર્ગદર્શન તળે એક જાગૃતિ લક્ષી નાટક પણ રજૂ કરાયું હતું. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer