સાંસદ સાથે સૌથી વધુ પનારો ગાંધીધામ વિસ્તારને

સાંસદ સાથે સૌથી વધુ પનારો ગાંધીધામ વિસ્તારને
- અદ્વૈત અંજારિયા- મનજી બોખાણી અને કમલેશ ઠક્કર-
ગાંધીધામ, તા. 14 : લોકસભા ચૂંટણીના પડઘમ વાગ્યા પછી પણ જોઇએ તેવો સંચાર ભારતીય જનતા પક્ષના કાર્યકરોમાં નથી થયો. ગાંધીધામ વિધાનસભા વિસ્તારને લાગેવળગે છે ત્યાં સુધી ઠેઠ ભચાઉના રણકાંધીના ગામોમાં પણ જે રીતે દરવખતે ભાજપના કાર્યકરો સ્વયંભૂ ધાડાંની જેમ ઊતરી પડતા હોય છે તેવાં દૃશ્ય હજુ જોવા મળતા નથી. નરેન્દ્ર મોદીની લહેરમાં 2014ની ચૂંટણી જીતાઇ તેવી જ રીતે આ વખતે પણ આસાનીથી જીતી જવાશે તેવો વધુ પડતો વિશ્વાસ કયાંક ભાજપને નુકસાન કરી શકે છે પરંતુ સામે વિપક્ષ કોંગ્રેસની આ સ્થિતિનો લાભ લેવાની તૈયારી જણાતી નથી. ગાંધીધામ વિધાનસભામાં ઓછા મતદાનની આશંકા વચ્ચે કોંગ્રેસ ભાજપ ઉમેદવારની સરસાઇમાં ગાબડું પાડી શકે તોય તેના માટે સારા સંકેત હશે તેવું પ્રાથમિક ચિત્ર ઉપસી રહ્યું છે. જૂથબંધીથી કોઇ પક્ષ બાકાત નથી. જાતિવાદનું પરિબળ, પરંપરાગત મતબેંક અને મતદારોના મન સુધી પહોંચવાની ભાજપ અને કોંગ્રેસ બંનેની કવાયત જો નિષ્ઠાપૂર્વકની હશે તો લોકસભાના આ જંગમાં ફટકાબાજી જોવા મળશે અન્યથા કાર્યકરોથી માંડીને છેવાડાના ગ્રામ્ય મતદારોમાંય ઊમળકો જોવા મળતો નથી. ભાજપે હજુ હમણાં જ ગાંધીધામમાં દેશના ગૃહમંત્રી રાજનાથસિંહની સભા યોજીને પ્રચારમાં ગરમી આણવા પ્રયાસ કર્યો છે. બીજીબાજુ કોંગ્રેસ હજુ બધી ગોઠવણમાં જ વ્યસ્ત છે. ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી વધુને વધુ મતદાન થાય તેવા પ્રયત્નો કરે છે અને ભાજપના લોકસભાના ઉમેદવાર વિનોદભાઇ ચાવડાની જીત નિશ્ચિત જ છે તેવો વિશ્વાસ વ્યક્ત કરે છે. સામી બાજુ કોંગ્રેસ તેના ઉમેદવાર નરેશભાઇ મહેશ્વરીને લઇને ઘણી આશાવાદી બની છે. વિધાનસભા ક્ષેત્રનો ઇતિહાસ ગાંધીધામ વિધાનસભા ક્ષેત્રનો રાજકીય ઇતિહાસ તપાસીએ તો સૌથી વધુ શહેરી મતદારો ધરાવતા ગાંધીધામ-આદિપુર સંકુલની ગાંધીધામ નગરપાલિકામાં 1959થી 1995 સુધી કોંગ્રેસનું વર્ચસ્વ હતું. 1995માં ભાજપે પગપેસારો કર્યા પછી શરૂમાં કોંગ્રેસ તો બાદમાં બ.સ.પ.ના સાથથી સહિયારું શાસન ચાલુ હતું, પરંતુ છેલ્લી બે ટર્મથી ભાજપ રાક્ષસી બહુમતી ધરાવે છે.ગાંધીધામ તાલુકા પંચાયત 2000માં અસ્તિત્વમાં આવી. શરૂમાં કોંગ્રેસની પકડ હતી, પરંતુ પછી ભાજપે કમળ ખીલવ્યું છે. જિલ્લા પંચાયતની આ ક્ષેત્રની બંને બેઠક ભાજપ પાસે છે.ભચાઉની વાત કરીએ તો નગરપાલિકા અને તાલુકા પંચાયત બંનેમાં છેલ્લી બે ટર્મથી જ કેસરિયા થયા છે. અગાઉ 1999 સુધી કોંગ્રેસનો આ વિસ્તાર ગઢ રહ્યો છે.પ્રશ્નો કયા છે ? અપેક્ષા શું છે ?કચ્છમાં સાંસદ પાસે સૌથી વધુ આશા જો કોઇ રાખતું હોય તો તે ગાંધીધામ સંકુલ છે. સ્ટેટ વિધીન સ્ટેટ જેવી જમીનની સ્થિતિ, ફ્રી હોલ્ડ યોજનાની અધૂરાશ, જી.એસ.ટી.થી મુશ્કેલી, ગળપાદર એરપોર્ટનું વિસ્તૃતિકરણ, સિટી સર્વેની અલાયદી કચેરી, દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના અટકેલાં વિકાસકામો વગેરે પ્રશ્નોમાં લોકપ્રતિનિધિ સક્રિય રસ લઇને તેના હલના પ્રયાસ કરે તે આ ક્ષેત્રની મોટી અપેક્ષા છે. ભચાઉની વાત કરીએ તો ત્યાં રેલવે સ્ટેશને ખૂટતી સગવડો, રેલવેમાં સ્ટોપ, કોચ ઇન્ડીકેટર જેવા પ્રશ્નો ખડા કરાય છે.મતદારોનું જ્ઞાતિવાર વર્ચસ્વલોકસભા માટે ગાંધીધામ વિધાનસભા વિસ્તારના કુલ મતદારોનો આંકાડો હજુ સરકારી તંત્ર આપી શક્યું નથી. એક અંદાજ પ્રમાણે કુલ મતદારો 2,76,656 જેટલા છે, જેમાં અનુસૂચિત જાતિ-જનજાતિ તથા મુસ્લિમો મળીને જ 1,13,348 મતદારો થાય છે. આ વખતે કોંગ્રેસે અનુસૂચિત જાતિની આ બેઠક ઉપર મહેશ્વરી સમાજના અગ્રણીને મેદાનમાં ઉતાર્યા છે, તો ભાજપે ગુર્જરા સમાજના વિનોદભાઇને રિપીટ કર્યા છે. એ સિવાય બસપાના સહિત 10 ઉમેદવારો મેદાનમાં છે.અન્ય જ્ઞાતિવાર આંકડા જોઇએ તો ક્ષત્રિય 10,305, રાજપૂત 6,922, આહીર 27,654, મુસ્લિમ 62,550, કોળી 10,164, લેવા પટેલ 13,748, કડવા પટેલ 1,759,  આંજણા પટેલ 135, રબારી 11,480, ભાનુશાળી 1,420, ગઢવી 4,669, લોહાણા 8,983, જૈન 7,814, બ્રાહ્મણ 14,394, ગોસ્વામી 4,513 સથવારા 2,463, સિંધી 21,580, સોની 1,510, સંઘાર 1,464, શીખ 1,395, હરિયાણવી 523,  દરજી, સુથાર, લુહાર 10,413, પરપ્રાંતીય સહિત અન્ય 50,798.પ્રચારના મુદ્દાની અસરકારકતાઆ મત વિસ્તારના શહેર કે ગામડાંઓમાં મોદી અને રાહુલની સરખામણીએ મોદી તરફનો ઝુકાવ જોવા મળી રહ્યો છે. આમ છતાં મતદારો જાગૃત હોવાથી જવાબ સાવચેતીથી આપે છે. જી.એસ.ટી. મુદ્દે વેપારીઓ હવે નારાજગી જાહેરમાં બતાવાતા નથી અને શરૂઆતમાં તકલીફ હતી, હવે સબ સલામત હૈનો નારો આપે છે. રાફેલ જેવા મુદ્દે ભ્રષ્ટાચાર આ દેશમાંથી ભગવાન આવે તોય દૂર નહીં થાય એવું જણાવીને જાણે આ મુદ્દાને ઉડાડી જ દે છે. મતદારો શું કહે છે ?ભચાઉ તાલુકાના રણકાંધીના મેઘપર ગામે વૃક્ષની છાંયમાં ઓટલે બેઠેલા ગામના વડીલોનો અભિપ્રાય પૂછતાં નારણ પાંચા ગામીએ તરત જ કહ્યું હતું, મોદીની વાહ વાહ બોલાય છે, બાકી જે થાય તે. નેતા લાલચમાં આવીને પક્ષપલટા કરે જ છે તેવું ઉમેરીને તેમણે મતદારનો મિજાજ દર્શાવ્યો હતો. રાફેલ પ્રશ્ને તેમણે કહ્યું હતું કે, લાંચ વિના કોઇ કામ થતાં નથી. મોદી નહીં ખુદ ભગવાન આવેને તોય ભ્રષ્ટાચાર દૂર નહીં કરી શકે. ખારોઇ ગામના સરપંચ શિવુભા જાડેજાએ કહ્યું હતું કે, તેમના ગામમાં વર્ષોથી પંચાયત સમરસ છે. મહ્દઅંશે ગામ કોંગ્રેસ તરફી છે, પણ મોટી ચૂંટણીમાં કંઇ કહી ન શકાય. થોડે જ દૂર આવેલાં માય ગામે ખીમાભાઇ વાસણ આહીરે કહ્યું હતું કે, હજુ સુધી તો આ ગામમાં ચૂંટણીવાળા કોઇ આવ્યા નથી. કોઇને ચૂંટણીમાં રસ નથી. અમે તો આત્માના અવાજને અનુસરશું. ભચાઉના વેપારી આગેવાન સતીશભાઇ મહેતાએ કહ્યું હતું કે, મોદીના કામકાજ અને પ્રભાવને કારણે ભાજપ ભણી નેતાઓ ખેંચાયા છે. રેલવે સ્ટેશને પાયાની ખૂટતી સુવિધાઓ ઊભી થાય, પીવાનું પાણી, ટ્રેનોમાં સ્ટોપ જેવા નાના  પ્રશ્નો હલ થાય તેવી અપેક્ષા છે.ફ્રી હોલ્ડનું કોકડુંગાંધીધામ સંકુલના અગ્રણી અને દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના ટ્રસ્ટી મનોહર બોલાણીએ કહ્યું હતું કે, અહીંની જમીનો જે  ડીપીટી હસ્તકની છે તે ખાલી પડી છે. ફ્રી હોલ્ડની વાતો થાય છે,  પણ સિટી સર્વે કચેરીના અભાવે તે લટકી પડયું છે. આવી સ્થિતિમાં બેંકોમાંથી ધિરાણ મળતું નથી. નીચેથી ઉપર સુધી ભાજપની સરકાર છે છતાંય કામ શા માટે થતાં નથી ? કંડલા એરપોર્ટ  વિસ્તૃતિકરણ, જી.ડી.ઓ.માં ચેરમેનની ખાલી જગ્યા, શહેરમાં ટ્રાફિક,  પીવાના પાણી, સફાઇ વગેરે પ્રશ્ને જનપ્રતિનિધિઓ નિદ્રાધીન છે તેવું તેમણે ઉમેર્યું હતું. લચ્છુ નિરવાણીએ કહ્યું હતું કે, જીએસટીથી ગૃહઉદ્યોગ, લઘુઉદ્યોગ ઠપ છે. દબાણો, પીવાનું શુદ્ધ પાણી, ટ્રાફિક નિયમન જેવા પ્રશ્નોથી નાગરિકો ત્રસ્ત છે. આવા મુદ્દાને ધ્યાનમાં લઇને મતદાન થાય તેવી લાગણી તેમણે દર્શાવી હતી.ગળપાદરના અલ્પેશ ચાવડાએ ગામની નજીક ઓવરબ્રિજના અટકેલાં કામથી અકસ્માત મોતના બનાવો, ગામના તળાવની આવ ઉપર દબાણ, તળાવ નર્મદાના પાણીથી ભરવું, આસપાસ 100થી 200 ખાનગી બોર બની જતાં પાતાળનાં પાણી ઊંડા જવાં વગેરે પ્રશ્નોના હલની ઇચ્છા દર્શાવી હતી.
માહોલ હજુ જામતો નથીસામાન્ય રીતે ભાજપના કાર્યકરો કોઇપણ ચૂંટણી વખતે સ્વયંભૂ કામે લાગી જતા હોય છે, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષથી ગાંધીધામ મતક્ષેત્રમાં પક્ષમાં આંતરિક ખેંચતાણ, જૂથવાદ વકરી જતાં અને કાર્યકરો પણ પક્ષને બદલે કોઇ વ્યક્તિના નામે ઓળખાવા લાગતાં હવે સ્વયંભૂ કામગીરી જણાતી નથી. પરિણામે શહેર હોય કે ગામડાં કયાંય ચૂંટણીનો માહોલ ખાસ દેખાતો નથી. કોંગ્રેસ પણ દાવો તો કરે છે કે, આ વખતે અમે મજબૂત આયોજન કર્યું છે પરંતુ કયાંય જણાતું નથી.ભાજપ શું કહે છે ?નરેન્દ્ર મોદીને જ મત આપવાનો છે એવું મોટા ભાગના મતદારો સમજી રહ્યા છે અને કચ્છની બેઠકના ઉમેદવાર વિનોદભાઇએ જે રીતે સૌને સાથે રાખીને પ્રશ્નોના ઉકેલ માટે જહેમત લીધી છે તે જોતાં વિજય તો નિશ્ચિત જ છે તેવો વિશ્વાસ ગાંધીધામ વિભાગના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ વ્યક્ત કર્યો હતો.કાર્યકરોમાં ઉત્સાહ નથી અને ગામડાંઓમાં તો હજી કોઇ ગયું જ નથી તેવું પૂછતાં માલતીબેને કહ્યું હતું કે કાર્યકરોમાં તો પૂર્ણ ઉત્સાહ છે, વિનોદભાઇ અને હું જ્યાં જ્યાં જઇએ છીએ કાર્યકરો કામ ઉપાડી લે છે. સભાઓમાં ખૂબ સારો પ્રતિસાદ મળે છે. વિનોદભાઇ પ્રત્યે ગાંધીધામ સંકુલમાં નારાજગી, સિંધી સમાજની નારાજી, જાતિવાદના પ્રશ્ને તેમણે ઠાવકાઇથી જવાબ આપતાં કહ્યું હતું કે, વિનોદભાઇ કયારેય જાતિવાદને જોઇને કામ કરતા નથી. હા, કેટલાક લોકો ગાંધીધામ સંકુલમાં મહેશ્વરીવાદ ચલાવવા પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ભાજપના મત ભાજપને જ?મળશે. સિંધી સમાજ સાથે પણ બેઠકો યોજી છે અને કયાંય કોઇ નારાજગી નથી.જમીનો ફ્રી હોલ્ડ પ્રશ્ને તેમણે કહ્યું હતું કે, આ પ્રશ્ન ખૂબ જૂનો છે. કોંગ્રેસ આટલાં વર્ષોના શાસનમાં ઉકેલી શકી નથી. પાંચ વર્ષમાં વિનોદભાઇએ આ પ્રશ્ન માટે ખૂબ મહેનત કરી છે અને તેથી ઘણા હકારાત્મક નિર્ણય આવ્યા છે. સિટી સર્વેની કચેરી અને ગળપાદર એરપોર્ટ વિસ્તરણ માટે માલતીબેન સક્રિય છે અને તેમની ટર્મમાં જ બંને મુદ્દા હલ થઇ જાય તેવા પ્રયાસ કરું છું તેવું તેમણે ઉમેર્યું હતું.ગાંધીધામ મતક્ષેત્રમાં ઓછાં મતદાનનો ડર સતાવતો હોવાથી તેમણે કહ્યું હતું કે, મારો પ્રયાસ વધુ ને વધુ મતદાન થાય તેવો છે. લોકો જાગૃત બનીને બૂથ સુધી પહોંચે તે માટે હું સતત પ્રયાસ કરીશ.કોંગ્રેસ ભાજપના જૂઠાણાને આગળ ધરશેવિપક્ષ કોંગ્રેસ વતી મુલાકાત કોણ આપશે તેની અનિશ્ચિતતા વચ્ચે ગાંધીધમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સંજયભાઇ ગાંધી સામે આવ્યા. વિધાનસભા ક્ષેત્રના ચૂંટણી ઇન્ચાર્જનો તો સંપર્ક જ શકય ન બન્યો. તેમની સાથે વાતચીત કરતાં તેમણે સીધું જ કહ્યું હતું કે, આ વખતે તમામ મોરેચે અમારી સ્થિતિ સારી છે. અમારા ઉમેદવાર નરેશભાઇ મહેશ્વરી જિલ્લા તથા તાલુકા પંચાયતમાં ચૂંટાયા હતા. જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પણ હતા એટલે તેઓ ઘણા સક્ષમ છે. કચ્છમાં વર્ષેથી વિધાનસભાની એક જ બેઠક કોંગ્રેસને મળતી હતી, પરંતુ તેમના પ્રમુખપદના કાર્યકાળ દરમ્યાન બે બેઠક મળી છે. મોદી અને રાહુલ ફેકટરની વાતે તેમણે કહ્યું હતું કે, મોદી લહેર હવે નથી. 2014ની ચૂંટણી જીતવા મોદીએ ફેલાવેલાં જૂઠાણાંઓનો પરપોટો હવે ફૂટી ગયો છે. પેટ્રોલ-ડીઝલના ભાવ,  ડોલર સામે રૂપિયાનું નબળું પડવું, રોજગારી, ભ્રષ્ટાચાર વગેરેને લઇને જ અમે લોકો વચ્ચે જશું. ભાજપના ઉમેદવારે તેમની ટર્મમાં ચાર વર્ષ બાદ ગાંધીધામ તરફ જોયું હતું. આ સંકુલના અનેક પ્રશ્નોના ઉકેલમાં તેમણે રસ દાખવ્યો નથી, આ વાત અમે લાકોને સમજાવશું.  કોંગ્રેસના અગ્રણી નેતાઓ આગામી દિવસોમાં પ્રચારમાં ઊતરશે. અમે હાઇટેક પ્રચાર પણ કરીશું. ફ્રી હોલ્ડ જમીન, એરપોર્ટનું વિસ્તરણ, વડાપ્રધાને બે વર્ષ પહેલાં અહીં શરૂ કરાવેલાં છતાં આગળ ન વધેલાં કામો, જીએસટી તથા પછી આવેલા 63 સુધારાથી મૂંઝવણ, કચ્છ-સૌરાષ્ટ્રમાં સરકારી યોજનાઓને પર્યાવરણીય મંજૂરી ન મળવી વગેરે પ્રશ્રો અમે ઉઠાવશું તેવું તેમણે ઉમેર્યું હતું.જૂની સરસાઇ વધશે કે ઘટશે ?કચ્છની લોકસભા બેઠકમાં આવતા આ ગાંધીધામ મતદાર ક્ષેત્રમાં સામાન્ય રીતે ભાજપને જંગી સરસાઇ મળતી રહી છે. મતદાનની ટકાવારી માંડ 40થી 45 ટકા હોય છે,  એ દૃષ્ટિએ જો આ વખતે મતદાનની ટકાવરી વધશે તો  તેનો ફાયદો કોને થશે તે જોવું રસપ્રદ રહેશે.  ભચાઉ શહેર અત્યારે અડધોઅડધ બન્ને પક્ષે વહેંચાયું છે. ગામડાં કોંગ્રેસ તરફ ઝોક  ધરાવતાં હોય છે. આવા   સંજોગોમાં ગાંધીધામ સંકુલનો મતદાર જ ભાવિ નક્કી કરશે. જો ભાજપની સરસાઇ ઘટશે તો કોંગ્રેસને માટે જશ લેવા જેવું ચોક્કસ થશે.મતદાનને આડે હજુ એક સપ્તાહ જેવો સમય બાકી છે એ જોતાં આવનારા દિવસો કટોકટીના છે. મતદારોને જાગૃત કરવા અને પોતાની તરફેણમાં ફેરવવા માટે તમામ ઉમેદવારોએ તનતોડ મહેનત કરવી પડશે.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer