અંજારના રસ્તા જય જય શ્રી રામથી ગુંજ્યા

અંજારના રસ્તા જય જય શ્રી રામથી ગુંજ્યા
રશ્મિન પંડયા દ્વારા
અંજાર, તા. 14 : સમગ્ર રાજ્યમાં દ્વિતીય સ્થાન મેળવતી શ્રી રામ ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટ, વિશ્વ હિન્દુ પરિષદ અંજાર પ્રખંડ પ્રેરિત રામ-ઘનશ્યામ જન્મોત્સવ સમિતિ દ્વારા 33મા વર્ષમાં પ્રવેશેલી આ ભવ્ય રથયાત્રાના પ્રારંભમાં રાજા કાપડી દાદાના મંદિર દબડા મધ્યેથી રથયાત્રાના સામૈયા બાદ શહેરના સવાસરનાકા પાસે આવેલા અતિ પ્રાચીન રઘુનાથજીના મંદિર- સ્વામિનારાયણ સર્કલ પાસેથી આ રથયાત્રાનો પૂજાવિધિ બાદ પ્રારંભ થયો હતો.આ રથયાત્રામાં રાજ્યમંત્રી અને અંજાર વિભાગના ધારાસભ્ય વાસણભાઇ આહીર, નગરપતિ રાજેશભાઇ પલણ તેમજ સ્વામિનારાયણ મંદિરના સંતો દ્વારા શાત્રોકત વિધિ સાથે પૂજા-અર્ચના બાદ વિધિવત પ્રારંભ કરાયો હતો. આ પૂજનવિધિ શહેરના જાણીતા ગોર કનકચંદ્ર વ્યાસ તેમજ દેવેનભાઇ વ્યાસ દ્વારા સંપન્ન કરાઇ?હતી.રામ-ઘનશ્યામ જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે શોભાયાત્રામાં રામ દરબાર, ઘનશ્યામ મહારાજ તેમજ ભારત માતાથી શોભિત રથ તેમજ ધર્મ અને સંસ્કૃતિની ઝાંખી કરાવતા 66 ફ્લોટ્સમાં મતદાન જાગૃતિ અભિયાન, ધર્મ ધ્વજ, બ્રહ્મા-વિષ્ણુ-મહેશ, ભારતની એકતા, શહીદ ભગતસિંહ, શંકર-પાર્વતી, ઉરી હુમલો, મેકણદાદા, નવદુર્ગા સહિતના વિવિધ ધર્મ-સાંસ્કૃતિક અને લોકોમાં જાગૃતિ દર્શાવતા ફ્લોટ રથયાત્રાનું આકર્ષણ રહ્યા હતા.  સફાઇ  જાગૃતિ અભિયાન, વ્યસનમુકિત અભિયાન સહિતના ફ્લોટ પણ સાથે હતા. આ રથયાત્રાનું શેરીઓ, ગલીઓ, ચોકમાં ઠેર-ઠેર સ્વાગત કરાયું હતું તેમજ ઠંડાં પીણાં, આઇક્રીમ, ફરાળી વાનગીઓના સેવા કેમ્પોનો લોકોએ ભરપૂર લાભ લીધો હતો.આ રથયાત્રા રઘુનાથજીના મંદિરથી પ્રસ્થાન થઇ સ્વામિનારાયણ સર્કલ, રામઓટા, વાઘડિયા ચોક, રતનપુરા, સચ્ચિદાનંદ મંદિર, મોહનરાયજી ચોક, માધવરાયજી મંદિર, કસ્ટમ ચોક, 12 મીટર રોડ, દેવળિયા નાકા, ટાવરથી બસ સ્ટેશન રોડ, ગાયત્રી ચાર રસ્તા, હાઉસિંગ બોર્ડથી પાતાળેશ્વર મહાદેવ મંદિરે પૂજનવિધિ બાદ વિરામ પામી હતી.આ રામ-ઘનશ્યામ જન્મોત્સવ સમિતિના સંયોજક અંકિતભાઇ ભટ્ટે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાય વર્ષોની જહેમત બાદ આ શહેરની રથયાત્રા સમગ્ર રાજ્યમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરે છે, તેની જહેમત માટે સમિતિના સર્વે કાર્યકરોને બિરદાવ્યા હતા.આ રથયાત્રાનાં આયોજનમાં સમિતિના દિપેનભાઇ જોષી, નીલેશ પાટડિયા, વાસુદેવ વૈષ્ણવ, રશ્મિન નયગાંધી, ગણેશભાઇ આહીર, રાજેશ પરમાર, અમિત સોની, રોહિત સોની, પાંચાભાઇ આહીર, અતુલ ઠક્કર, ભાવેશ પલણ, નીરવ વૈષ્ણવ, ધીરેન નાથાણી, ભીમજી પટેલ, કરશનભાઇ કેરાઇ, દિપેન વરૂ, રાજેશ દવે, અનિરુદ્ધ હર્ષ, નીતાબેન ચૌહાણ, અહલ્યા છાત્રાલયના આશાબેન,  સેજલબેન વિગેરે સહયોગી બન્યા હતા. પોલીસતંત્ર દ્વારા સખત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

 
વહીવટી તંત્રે સહકાર ન આપતાં સેવા કેમ્પની ખાદ્ય સામગ્રી નકામી બની !
અંજારની ભવ્ય રથયાત્રાના પ્રારંભથી વહેલી સવારે સવાસર નાકા ચોકમાં જય જોગણી ગ્રુપ દ્વારા છેલ્લા આઠ વર્ષથી સેવાના કેમ્પ યોજાય છે. જેમાં ફરાળી વાનગી, ઠંડાં પીણાં, ફ્રૂટ ડિશ સહિતની સેવા સાથે રાસ મંડળી, ભજન મંડળીના કાર્યક્રમ યોજે છે. પરંતુ આ સ્થળે વહીવટી તંત્ર દ્વારા સહયોગ ન મળતાં આ સેવાકીય કેમ્પ માટે તૈયાર કરાયેલા મંડપ રાતોરાત દૂર કરાતાં આ કેમ્પમાં સેવા માટે ખરીદેલી ખાદ્ય વસ્તુ નકામી થઇ હતી. અન્ય ધાર્મિક કાર્યક્રમ માટે ખડેપગે રહેતા આ તંત્ર દ્વારા કોઇ સહકાર ન મળતાં આ કેમ્પ યાજાતાં અનેક લોકો નારાજ થયા હતા.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer