ગાંધીધામમાં રામનવમીની ઉમંગે ઉજવણી

ગાંધીધામમાં રામનવમીની ઉમંગે ઉજવણી
ગાંધીધામ, તા. 14 : સંકુલમાં રામનવમીની વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજી ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. આ વેળાએ શહેરના મંદિરો ભગવાન રામના જયજયકારથી ગુંજી ઊઠયા હતા. આ વેળાએ અખિલ ભારતીય નવયુગ સંસ્થા અને શ્રી રામસેના, સનાતન હિન્દુ સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીજે અને ઢોલ શરણાઈના સૂરો સાથે નીકળેલી શોભાયાત્રા ભારતનગર આશાપુરા મંદિરથી શરૂ થઈ સુંદરપુરી, લીલાશાહ નગર, ગાંધી માર્કેટ, ઝંડાચોક, મુખ્ય બજાર, સરદાર વલ્લભભાઈની પ્રતિમા સહિત શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી લીલીશાહનગર સ્થિત નારાયણેશ્વર મંદિર ખાતે પૂરી થઈ હતી. નારાયણેશ્વર મંદિર ખાતે બપોરે 12 વાગ્યાના ટકોરે ભગવાન રામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, તેમજ બાદમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ શોભાયાત્રામાં ઘોડેશ્વાર ઉપરાંત મારવાડી યુવા મંચ, સ્વ. નારણભા કરમણભા ગઢવી ચેરિટેબલ ટ્રસ્ટ, આહીર સમાજ, સી.ડબલ્યુ.સી. ગાંધીધામ, સમસ્ત સિંધી સમાજ, ગાંધીધામ કોમ્પલેક્ષ મહેશ્વરી સમાજ, સમસ્ત દેવીપૂજક યુવા પરિષદ, કચ્છ ગોરખા સમાજ, વી-સિંધી સોશિયલ ગ્રુપ, નારાયણેશ્વર મહાદેવ ચેરિટબલ ટ્રસ્ટ, વિશ્વ હિન્દુ પરિષદ, ગાંધીધામ લોહાણા સમાજ, આર્ય સમાજ ગાંધીધામ, ક્ષત્રિય રાજપૂતાના સંઘાર ટ્રસ્ટ, શ્રી રામ યુવા ગ્રુપ સોનલનગર, ગૌરક્ષાદળ ગુજરાત સહિતની  સંસ્થાઓ- સમાજ દ્વારા ભાત ભાતની ઝાંખીઓ રજૂ કરવામાં આવી હતી. વિવિધ ઝાંખીઓ શહેરીજનોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. આ વેળાએ  ભાજપના લોકસભાના ઉમેદવાર વિનોદભાઈ ચાવડા, ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, મોમાયાભા ગઢવી, સુધરાઈ પ્રમુખ કાનજીભાઈ ભર્યા, જી.ડી.એ.ના પૂર્વ અધ્યક્ષ મધુકાંત શાહ, હિમ્મતદાન ગઢવી, શંકર દક્ષિણી, શહેર કોંગ્રેસ પ્રમુખ સંજય ગાંધી, નારાયણેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટના તેજાભાઈ કાનગડ, રામકરન તિવારી (ભૈયા), ભૂપતભાઈ, પ્રવીણ ઠક્કર, મોહન ધારશી ઠક્કર, ગંગારામ અનમ, પ્રમોદ શર્મા, સ્નેહીભાઈ ગોયલ, દીપક દુબે, નરેશ ગુરબાની, લીલાશાહ નવરાત્રિના સભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. શોભાયાત્રાનું વિવિધ સંસ્થાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગાંધીધામ આદિપુરના અન્ય મંદિરોમાં પણ ઉમંગે રામ જન્મની ઉજવણી કરવામાં આવી હતી. નારાયણેશ્વર મહાદેવ મંદિર ખાતે સાંજે 7 વાગ્યે સંગીતમય મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય નવયુગ સંસ્થા દ્વારા સંસ્થા અને સમાજનું સન્માન કરવામાં આવ્યું હતું. રથયાત્રામાં સહયોગ બદલ સંસ્થાના રાજભા ગઠવી, નરેશ રામનાણી, ભાવેશગિરિ ગૌસ્વામી, કિરણ પ્રજાપતિ વગેરેએ સૌ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer