રાજસ્થાનને પછાડી પંજાબ 14 રને વિજયી

રાજસ્થાનને પછાડી પંજાબ 14 રને વિજયી
જયપુર, તા. 25 : આઇપીએલની 12મી સિઝનની ચોથી મેચમાં રાજસ્થાન રોયલ્સને પછાડી કિંગ્સ ઇલેવન પંજાબે બાજી મારી લીધી છે. 184ના લક્ષ્યાંક સામે રાજસ્થાન રોયલ્સ 170 રન કરી શકતાં 14 રને પંજાબનો વિજય થયો છે. 43 દડામાં બે છગ્ગા અને 10 ચોગ્ગાની ધુંઆધાર બેટિંગ કરી રહેલો બટલર અજીબ રીતે રનઆઉટ થયો હતો. પંજાબ વતી અશ્વિન જ્યારે તેરમી ઓવરનો પાંચમો બોલ ફેંકી રહ્યો હતો તે પૂર્વે જ બટલર ક્રીઝથી બહાર નીકળી ગયો હોવાથી આ તકનો લાભ લઇ અશ્વિને બોલ ન ફેંકી નોન સ્ટ્રાઇક પરની વિકેટની ગિલ્લીઓ ઊડાવી બટલરને રનઆઉટ કરી દીધો હતો. ત્યારે રાજસ્થાનની 108 રન પર બીજી વિકેટ પડી હતી. 16 ઓવર પૂરી થયા બાદ રાજસ્થાનને જીત દેખાતી હતી પરંતુ સતરમી ઓવરમાં સૈમ કરને વીવ સ્મિથ (20) અને આ જ ઓવરના છેલ્લા દડે સેમસન (30)ને પણ કેચ આઉટ કરાવી દીધા હતા. જ્યારે અઢારમી ઓવર મુજબીર ઉર રહેમાને નાખીને તેને પણ સ્ટોક્સ (6) અને ત્રિપાઠી (1)ને કેચઆઉટ કરાવી દીધા હતા. ઓગણીસમી ઓવરમાં બે રને આર્ચર રનઆઉટ થયો હતો અને રાજપૂતની છેલ્લી ઓવરમાં પણ ઉન્નડકટ (1) અને ગૌતમ (3)એ કેચઆઉટ થઈ ગયા હતા. આમ 20 ઓવરમાં રાજસ્થાન 170/9 સુધી સીમિત રહેતાં પંજાબનો 14 રને વિજય થયો હતો. અગાઉ રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરતાં મેદાન પર ઊતરેલી કિંગ્સ ઈલેવન પંજાબે ક્રિસ ગેલ (79)ની વિસ્ફોટક બેટિંગના બળે 20 ઓવરમાં 4 વિકેટ 184 રન કર્યા હતા. આક્રમક બેટધર ગેલે આઠેક ઓવર સુધી ક્રિઝ પર ટકી રહેતાં 47 દડામાં 8 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 79 રન ફટકારી દઈને વધુ એકવાર ઝંઝાવતી બેટિંગ બતાવી હતી. ગેલે ચોગ્ગા-છગ્ગાથી જ અર્ધસદી જેટલો સ્કોર કરી લીધો હતો ને રાજસ્થાનના ફિલ્ડરોને ચોમેર દોડતા કરી દીધા હતા. અણનમ રહેલા 21 વર્ષીય સરફરાઝ ખાને 29 દડામાં છ ચોગ્ગા ને એક છગ્ગા સાથે ઝડપી અને ઉપયોગી 46 રન કર્યા હતા. મયંક અગ્રવાલે 1 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 22 રન કર્યા હતા. ગેલ સાથે દાવની શરૂઆતમાં ઊતરેલો રાહુલ માત્ર ચાર રને કુલકર્ણીની બોલિંગમાં બટલરને કેચ આપી બેઠો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer