તોલાણીની છાત્રા ગણિતમાં રાષ્ટ્રીય સ્તરે ઝળકી

તોલાણીની છાત્રા ગણિતમાં રાષ્ટ્રીય સ્તરે ઝળકી
ગાંધીધામ, તા. 25 : આદિપુરની તોલાણી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના તૃતીય વર્ષ વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થીનીએ બે મહિનાના સમયગાળામાં ગણિત વિષયમાં રાષ્ટ્રીય સ્તરે ત્રણ સિધ્ધિ હાંસલ કરી કચ્છનું નામ રોશન કર્યું હતું. આ ઉપરાંત આઈ. આઈ. ટી.ની પરીક્ષામાં કોલજના વિદ્યાર્થીઓ કટ ઓફ માર્કસમાં પણ સમાવિષ્ટ થયા હતાં. કોલેજના આચાર્ય ડો.સુશીલ ધર્માણીના જણાવ્યા પ્રમાણે આઈ. આઈ. ટી. ખડગપુર દ્વારા વર્ષ 2019ની આઈ.આઈ.ટી. જામ(જોઈન્ટ એકઝામ ઓફ માસ્ટર્સ)ની પરીક્ષામાં ટી. વાય. બી. એસસી.ની વિદ્યાર્થિની ચાંદની રાજેશ ઠક્કર કવોલીફાઈ થઈ પ્રવેશ પાત્રતા મેળવી હતી. આ સફળતા મેળવનાર તેણી કચ્છની પ્રથમ વિદ્યાર્થિની છે. આઈ. આઈ. ટી. જામએ વિજ્ઞાન પ્રવાહના સ્નાતકોને આઈ. આઈ. ટી.માં અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ કરવાની તક આપતી દેશની સૌથી મોટી સંસ્થા છે. દેશભરના વિદ્યાર્થીઓમાંથી બે કે ત્રણ ટકા વિદ્યાર્થીઓ પ્રવેશપાત્ર બને છે. આ ઉપરાંત ભારત સરકારના એટોમિક એનર્જી ડિપાર્ટમેન્ટ દ્વારા સ્થાપિત એન. બી. એચ. એમના મેથેમેટીકસ ટ્રેઈનિંગ અને ટેલેન્ટ સર્ચ નામના ગણિતના કુંભ મેળા સમાન 25 દિવસના તાલીમ કેમ્પમાં કચ્છમાંથી પ્રથમ વખત કુ.ચાંદનીની પસંદગી થઈ હતી.ત્રિવેન્દ્રમ ખાતે યોજાયેલા આ કેમ્પમાં દેશભરના 67 વિદ્યાર્થીઓ પૈકી ગુજરાતના ત્રણ વિદ્યાર્થિઓની પસંદગી થઈ હતી. સાથોસાથ ટાટા ઈન્સ્ટિટયુટ ઓફ ફન્ડામેન્ટલ રીસર્ચના હોમી ભાભા સેન્ટર ફોર સાયન્સ એજયુકેશનના સહકારથી મધ્ય યુગના પ્રખર ભારતીય ગણિત શાત્રી માધવની યાદમાં યોજાતી માધ્વા મેથ્સ સ્પર્ધામાં ગુજરાત રાજસ્થાન ઝોનના ટોપ ટેન વિજેતાની યાદીમાં પણ ચાંદનીના નામ સાથે તોલાણી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજનું નામ પણ ઝળકયું હતું. આ સફળતા બદલ જીસીબીના પ્રમુખ અંજના હજારે, પ્રો.લક્ષમણ દરિયાણી, ગણિત વિભાગના પ્રો. મીતેશ પટેલ, પ્રો.અંજલિ શ્રીવાસ્તવ, પ્રો.નેહા સિંઘ, પ્રો. હીમાની કાનાબાર, પ્રો. કાજલ બલદાણિયાએ અભિનંદન પાઠવ્યા હતા. આઈ.આઈ.ટી. જામની પરીક્ષામાં ગણિત વિભાગના વિશ્વા ત્રિપાઠી, પ્રિયંકા રોશિયા,ધીરેન મહેશ્વરી જયારે ફીઝીકસના નિશાદ પ્રશાંત કુમાર કટ ઓફ માર્કસમાં આવ્યા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer