ભુજમાં મુસ્લિમ સમાજ માટે પ્રથમ વખત શૈક્ષણિક સંમેલન યોજાયું

ભુજમાં મુસ્લિમ સમાજ માટે પ્રથમ વખત શૈક્ષણિક સંમેલન યોજાયું
ભુજ, તા. 25 : કચ્છ જિલ્લામાં મુસ્લિમ સમાજનો પ્રથમ વખત શિક્ષણ અને કારકિર્દી માર્ગદર્શન અંગે સફળ કાર્યક્રમ યોજાઈ ગયો. જેમાં કચ્છભરમાંથી ઉચ્ચ શિક્ષિતો અને બુદ્ધિજીવીઓએ મુસ્લિમ સમાજના યુવાવર્ગને કારકિર્દી અંગે માર્ગદર્શન આપી ઉચ્ચ શિક્ષણ માટે યુવાપેઢીને પ્રોત્સાહન આપ્યું હતું. કચ્છમાં સંભવત: પ્રથમ વખત જ ભુજના ટાઉનહોલમાં યોજાયેલા ઐતિહાસિક શિક્ષણ સંમેલનમાં કચ્છભરમાંથી મુસ્લિમ સમાજના યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મુસ્લિમ સમાજના તબીબો, ઈજનેરો, વકીલો સહિત બુદ્ધિજીવી વર્ગ એકમંચ થયો હતો અને વર્તમાન શિક્ષણના આધુનિક યુગમાં કચ્છના મુસ્લિમ સમાજના યુવાનો પાછળ ન રહી જાય તેની ચિંતા સાથે કાર્યક્રમનું આયોજન ગોઠવાયું હતું. ખાસ કરીને અભ્યાસનું મહત્ત્વ અને માત્ર અભ્યાસથી જ સમાજની પ્રગતિ થઈ શકે છે તેવી સલાહ સમાજના સર્વે યુવાનોને આપવામાં આવી હતી. કાર્યક્રમમાં હાજર શિક્ષણવાંચ્છુ યુવાનોએ જણાવ્યું હતું કે, પ્રાથમિક શિક્ષણથી લઈને તબીબી, ઈજનેરી તેમજ સરકારી નોકરીઓમાં સફળતા મેળવવા અંગે માર્ગદર્શન આપવા આંતરરાષ્ટ્રીય કક્ષાની કંપની મેટાડોગ્ઝના વક્તાએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. કચ્છભરમાંથી શિક્ષણપ્રેમીઓ ઊમટી પડતાં ટાઉનહોલ પણ ટૂંકો પડે તેટલી સંખ્યા જોઈને મુસ્લિમ સમાજના બુદ્ધિજીવીઓએ કાર્યક્રમ અંગે ખુશી વ્યક્ત કરી હતી. કાર્યક્રમની સફળતા માટે ભુજના અમન સમાએ ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. યુવા કાર્યકરોએ ખડેપગે રહી સહયોગ આપ્યો હતો. કાર્યક્રમના દાતાઓનું સન્માન કરી આભાર પ્રગટ કરાયો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer