ભુજના કોમર્સ કોલેજ સામે જાહેર રોડ પર દીવાલ ચણી દેવાઇ

ભુજના કોમર્સ કોલેજ સામે જાહેર  રોડ પર દીવાલ ચણી દેવાઇ
ભુજ, તા. 25 : ભુજ શહેરમાં જાહેર રસ્તા બંધ કરી પોતાની કોલોનીમાંથી કોઇ અવરજવર ન કરે તેવા ગેરકાયદે પ્રયાસો કરવાની જાણે ફેશન ચાલી રહી છે. નવાઇની વાત તો એ છે કે ગેરકાયદે આડસો ઊભી કરી રસ્તા બંધ કરાય છે છતાં પ્રશાસન ચૂપ છે. વાત છે શહેરના કોમર્સ કોલેજ સામેના વિસ્તારની. શિવકૃપાનગર અને પ્રશાંત પાર્ક વિસ્તારમાં સૃષ્ટિ પાર્ક પાસેથી અવરજવર કરવાનો જાહેર માર્ગ સિમેન્ટથી મઢવામાં આવ્યો છે. પરંતુ અહીંથી અવર-જવર ન થાય એટલે દીવાલ ચણી દેવામાં આવી છે. રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે શિવકૃપાનગરથી અંદરના રોડને જોડતો આ રસ્તો સીધો જયનગર, મહાવીરનગર અને પાછળના રિંગ રોડ સુધી પહોંચે છે પરંતુ સૃષ્ટિ પાર્કને જોડતી દીવાલ રસ્તા ઉપર ચણીને આવન-જાવન બંધ કરી દેવામાં આવી છે. અહીંથી વરસાદી પાણીનું વહેણ પણ હોવાથી દીવાલ એવી રીતે ચણવામાં આવી છે કે નીચેના ભાગમાં પાણીના વહેણના નિકાસની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. નગરપાલિકા દ્વારા બનાવાયેલા જાહેર માર્ગ રાહદારીઓ માટે હોય છે, પરંતુ અહીં તો ધોરીધરાર માર્ગ બંધ કરી સળંગ દીવાલ બનાવી દેવાઇ હોવાની ફરિયાદ ઊઠી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer