ત્રણ કરોડનાં ઇન્ટરલોકનાં કામનો ઠરાવ રદ્દ કરાવવા વિપક્ષ મેદાને

ભુજ, તા. 25 : આચારસંહિતાના ઓઠા હેઠળ ભુજ નગરપાલિકાની કારોબારી સમિતિએ ધારાસભ્યની ગ્રાન્ટ હેઠળ લોકભાગીદારીનાં ઇન્ટર- લોકનાં કામ મોંઘા ભાવે અપાયાનો ઠરાવ રદ્દ કરવા વિપક્ષી નેતાએ જિલ્લા ભાજપ પ્રમુખનું ધ્યાન દોરી મુખ્ય અધિકારીને રજૂઆત કરી જો ઠરાવ રદ્દ નહીં કરાય તો કોર્ટનાં દ્વાર ખટખટાવાશે તેવી ચીમકી આપી હતી. તાજેતરમાં જ ભુજ નગરપાલિકાની કારોબારી સભામાં ધારાસભ્યની ગ્રાન્ટ હેઠળનાં ત્રણ કરોડનાં ઇન્ટરલોકનાં કામોમાં એજન્સીને અંદાજે 75 લાખ વધુ ચૂકવવા ઠરાવ કરાતાં વિપક્ષી નેતા રાજેન્દ્રાસિંહ જાડેજાએ આ નિયમ વિરુદ્ધ અને સરકાર દ્વારા ફાળવાયેલાં લોકસુવિધા માટેનાં નાણાંનો વેડફાટ લેખાવી આ ઠરાવ રદ્દ કરવા સુધરાઇના મુખ્ય અધિકારી સમક્ષ માંગ કરી હતી. શ્રી જાડેજાએ જણાવ્યું કે, આ કામ ઓછામાં ઓછા 25 ટકા નીચું આવી શકે, પરંતુ ભાવોભાવ આપી સરકારે લોકોની સુવિધા માટે ફાળવેલાં નાણામાંથી અંદાજે 75 લાખ વેડફી નખાયા છે. જેથી ત્રણ કરોડનાં કામોનાં ફરીથી ટેન્ડર બહાર પાડવા મુખ્ય અધિકારી નીતિન બોડાત તથા જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલ સમક્ષ માંગ કરી છે. શ્રી જાડેજાએ વધુમાં જણાવ્યું કે, લોકોની પ્રાથમિક જરૂરિયાત પાણીની અને સારા માર્ગોની છે, ત્યારે શહેરમાં અનેક મુખ્ય માર્ગની હાલત સુધારવાને બદલે ઇન્ટરલોક પાછળ આંધણ કરાઇ રહ્યું છે. જો આ ટેન્ડર રદ્દ નહીં કરાય તો લોકોનાં નાણાંનો વેડફાટ અટકાવવા કોર્ટનાં દ્વાર ખટખટાવાશે તેવી ચીમકી પણ અપાઈ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer