ચકચારી રુકસાના હત્યા કેસમાં વધુ એક મુખ્ય આરોપીની ધરપકડ

ભુજ, તા. 25 : મર્ડર મિસ્ટ્રી ફિલ્મ જેવા જ લાગતા શહેરના ચકચારી રુકસાના હત્યા કેસમાં વધુ એક મુખ્ય આરોપી અનવર ફકીર મામદ લાખાની સામેલગીરી ખૂલતાં તેની ધરપકડ કરાઇ છે. ઉપરાંત આ હત્યા કામના આરોપીઓના આજે રિમાન્ડ પૂરા થતાં કોર્ટમાં રજૂ કરાયા હતા, જેમાં હત્યા નીપજાવનારા મુખ્ય આરોપી એવા ઇસ્માઇલ, જાવેદ અને અનવરના વધુ બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે, જ્યારે બાકી પાંચ મદદગારોને જેલહવાલે કરાયા છે. આ ચકચારી પ્રકરણ અંગે એલ.સી.બી.ના ઇન્ચાર્જ પી.આઇ. એમ.બી. ઔસુરા તથા તપાસકર્તા પી.એસ.આઇ. એ.એન. પ્રજાપતિએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, તપાસ દરમ્યાન રુકસાનાની હત્યા નીપજાવામાં તેનો પતિ ઇસ્માઇલ ઉર્ફે માલા હુશેન, જાવેદ જુશબ માંજોઠી ઉપરાંત અનવર ફકીરમામદ લાખા પણ સામેલ હોવાથી અનવરને પણ ઊઠાવી લેવાયો છે અને આજે અગાઉ પકડાયેલા સાત આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં આ સાત આરોપીઓની સાથે અનવરને પણ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માગતાં ઇસ્માઇલ, જાવેદ અને અનવરના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. જ્યારે કામના મદદગારો એવા સબીર જુશબ માંજોઠી, અલ્તાફ અબ્દુલ માંજોઠી, મામદ ઓસમાણ કુંભાર તથા માધાપરના સાજીદ દાઉદભાઇ ખલીફા અને તેની પત્ની સાયમા સાજીદ ખલીફાને જેલહવાલે કરાયા છે. બીજી તરફ આ હત્યા પ્રકરણમાં ઉપયોગમાં લેવાયેલી કાર, છરી, પાવડા તથા જેસીબી જેવાં સાધનો પણ કબ્જે કરી લીધા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, જે-તે સમયે ઇસ્માઇલ માંજોઠીની એલ.સી.બી.એ એક રાજકીય અગ્રણીની ઓફિસમાંથી ધરપકડ કરી હતી, જો આ રાજકીય અગ્રણીની પણ પૂછપરછ કરાય તો હજુ પણ પ્રકરણમાંથી અનેક ફણગા ફૂટવાની શક્યતા જોવાઇ રહી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer