ગાંધીધામ આસપાસના પાંચ રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજ બાંધવા સૈદ્ધાંતિક મંજૂરી

ગાંધીધામ, તા. 25 : સંકુલમાં સરકારના માર્ગ અને મકાન વિભાગ તથા રેલવે વિભાગ દ્વારા 250 કરોડના ખર્ચે પાંચ સ્થળે રેલવે ઓવરબ્રિજ બનાવવા અંગે સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ હોવાના અહેવાલ સાંપડયા હતા. આ ઓવરબ્રિજના નિર્માણથી સ્થાનિકોની મુશ્કેલીમાં ઘટાડો થવાનો આશાવાદ પ્રબળ બન્યો છે. શહેરમાં આવતા રેલવે ફાટકો પાસે અવારનવાર પસાર થતી ટેનોના કારણે વાહનચાલકોને લાંબો સમય ઊભું રહેવું પડતું હોવાની લોકોની ફરિયાદને ધ્યાને રાખીને ઓવરબ્રિજ બનાવવા અંગે મહત્ત્વનો નિર્ણય લેવાયો હતો. ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે વરસામેડી-આદિપુર રેલવે ક્રોસિંગ નં. 4 (જુમાપીર ફાટક) ઉપર 50 કરોડ, મેઘપર-લીલાશાહ કુટિયા રોડ રેલવે ક્રોસિંગ નં. 5 ઉપર 50 કરોડ, ભુજ-અંજાર-ચીરઈ (અંજાર એપીએમસી પાસે) ક્રોસિંગ નં. 10 ઉપર 50 કરોડ, મીઠીરોહર-ગાંધીધામ રેલવે ક્રોસિંગ નં. 233 ઉપર 50 કરોડ, ગાંધીધામ-ઓઈલ કેમ્પ રેલવે ક્રોસિંગ નં. 235 ઉપર 50 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવા અંગે સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ હોવાનું તા. 8/3ના પત્રમાં જણાવ્યું હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, 50 ટકા ખર્ચ રાજ્ય સરકાર અને 50 ટકા ખર્ચ ભારત સરકાર (રેલવે) દ્વારા સાથે મળીને નવીન ઓવરબ્રિજના કામ માટે વર્ષ 2018-19ના બજેટ અન્વયે તબક્કાવાર કામગીરી કરવામાં આવશે. ગાંધીધામ સંકુલના સતત વ્યસ્ત રાજવી ફાટક ઉપર ઓવરબ્રિજના કામ માટે જિલ્લા કલેક્ટર દ્વારા એન.ઓ.સી. આપી દેવાઈ છે તેમજ રેલવે વિભાગ દ્વારા પણ મંજૂરી આપી દેવાઈ છે. હાલ આ કામ ડિઝાઈનના તબક્કે પહોચ્યું હોવાનું માર્ગ અને મકાન વિભાગના જાણકારોએ જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer