રસેલના વાવાઝોડામાં સનરાઈઝર્સ ઊડયું

કોલકાતા, તા. 24 : સનરાઈઝર્સ હૈદરાબાદ સામે પોતાના હોમ ગ્રાઉન્ડમાં રમી રહેલી કોલકાતા નાઈટ રાઈડર્સે રોમાંચક મુકાબલામાં મહેમાન ટીમને 6 વિકેટે હરાવી હતી. આ મેચમાં હૈદરાબાદે 182 રનનો પડકાર આપ્યો હતો. અંતિમ ક્ષણ સુધી હૈદરાબાદ જીત માટે ફેવરિટ હતી. પરંતુ આંદ્રે રસેલના 19 બોલમાં 49 રનના કારણે કેકેઆરએ હૈદરાબાદના હાથમાંથી જીત છિનવી લીધી હતી. એક સમયે કેકેઆરને 27 બોલમાં 64 રનની જરૂર હતી. જોતજોતામાં રસેલે ટીમને જીત સુધી પહોંચાડી દીધી છે.  182 રનના લક્ષ્ય માટે ઉતરેલી કેકેઆરની શરૂઆત નબળી રહી હતી અને ઓપનિંગ બેટ્સમેન ક્રિસ લેન 7 રન કરીને આઉટ થયો હતો. ત્યારબાદ બીજા છેડે રહેલા નીતિશ રાણાએ બીજી વિકેટ માટે રોબિન ઉથ્થપા (35) સાથે મળીને 80 રનની ભાગીદારી કરી હતી.  ઉથપ્પા રાણાનો સાથે છોડીને ગયા બાદ કાર્તિક પણ માત્ર બે રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. કાર્તિક આઉટ થયા બાદ રસેલે મોરચો સંભાળ્યો હતો અને રાણા સાથે મળી ટીમને જીતાડવાના પ્રયાસ શરૂ કર્યા હતા. સ્કોરબોર્ડ ઉપર 118 રન થયા હતા ત્યાં રાણા પણ આઉટ થયો હતો અને શુભમન ગીલ ક્રિઝ ઉપર આવ્યો હતો. આ દરમિયાન રસેલે 19 બોલમાં 49 રન ફટકાર્યા હતા. જેમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા અને કેકેઆરને જીત મળી હતી. આ અગાઉ હૈદરાબાદે ડેવિડ વોર્નર(85) અને જોની બેયરસ્ટો(39) રનની મદદથી 181 રન કર્યા હતા. વોર્નરે 85 રનની ઈનિંગમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer