વિકાસની દોડમાં લોકોને જાગૃત કરતી મૃત ચકલીની ખાંભી

વિકાસની દોડમાં લોકોને જાગૃત કરતી મૃત ચકલીની ખાંભી
રાયધણજર, તા. 24 : 1974ના રોટી રમખાણમાં (નવનિર્માણ આંદોલન) ગોળીબારમાં મૃત્યુ પામેલી ચકલીની ખાંભી અમદાવાદની ઢાળની પોળમાં આજે પણ મોજૂદ છે. તાજેતરમાં જ વર્લ્ડ સ્પેરો ડેની ઉજવણી થઈ. આજથી 45 વર્ષ પહેલાં 2 માર્ચ 1974એ રાજ્યમાં ફાટી નીકળેલા રમખાણમાં ગોળીબારમાં એક ચકલી મૃત્યુ પામી. જીવદયા પ્રેમીઓએ તેની ખાંભી આસ્ટોડિયામાં આવેલી ઢાળની પોળમાં બનાવી હતી .ખાંભીની કાયમી જાળવણી માટે તેનું રિનોવેશન કરાયું છે. સાડા ચાર દાયકા પહેલાની આ ઘટનામાં પોળના રહીશોએ આસ્ટોડિયામાં ચકલીની સ્મશાન યાત્રા કાઢી હતી અને બનાવ સ્થળે જ મૃત ચકલીની  ખાંભી બનાવાઈ છે. વિકાસની દોડમાં લોકો નિર્દોષ પ્રાણીઓ અને પક્ષીઓ તરફ બેદરકાર ન રહે અને તેમનો વિચાર કરે તે હેતુથી આ સ્મારક બનાવાયું હતું. આપણા ઘર આંગણાનું પંખી એવી ચકલીઓની વસ્તીમાં થોડા સમય અગાઉ નોંધપાત્ર ઘટાડો થયો હોવાનું મનાય છે પરંતુ હાલમાં સમગ્ર વિશ્વમાં ચકલીના સંવર્ધન અને સંરક્ષણના પ્રયાસો, વિવિધ સંસ્થાઓ દ્વારા લોકજાગૃતિના કારણે આ પક્ષીની સંખ્યામાં વધારો થયો છે તેમના માટે ઘરોમાં આકર્ષક ડિઝાઈનવાળા ઘરો, ચણના પ્લાસ્ટિકના ડબલા તથા પીવાના પાણી માટેની અલાયદી વ્યવસ્થા જોવા મળી રહી છે.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer