બલિદાની જામ અબડા અને સુમરીદાદીને વંદન

બલિદાની જામ અબડા અને સુમરીદાદીને વંદન
રામપર-અબડા (તા. અબડાસા), તા. 24 : અહીંના સુમરીદાદીના સ્થાનિકે શનિવારથી બે દિવસીય ઉર્સની ઉજવણી પ્રસંગે  અગ્રણીઓએ કોમી એકતાને બિરદાવી હતી. તા. 23ના  પ્રારંભે સુમરા સમાજ કચ્છ એકમના પ્રમુખ હાજી અલાના ભુંગરે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. પ્રવચન કરતાં માજી પ્રમુખ મૂળરાજભાઇ ગઢવીએ જણાવ્યું કે, આ તર્પણની ભૂમિ છે. બલિદાનની ભૂમિ છે, સ્વાર્થ વગર બલિદાન આપનાર જામ અબડા તથા સુમરીદાદીને નતમસ્તકે વંદન. જામનગર ન.પા.ના વિપક્ષી નેતા અલ્તાફભાઇ શફીએ જણાવ્યું કે, વિશ્વમાં જોટો જડે એમ નથી તેવું ઉદાહરણ આ કોમી એકતાનું છે. તેમણે ભાઇચારાની ભાવનાને બિરદાવી હતી. આદમભાઇ ચાકીએ જણાવ્યું કે, ભાષણો કરો પણ નૈતિકતાની જરૂર છે. હિતરક્ષક સમિતિ કચ્છ જિલ્લાના પ્રમુખ હાજી ઇબ્રાહીમભાઇ હાલેપોત્રાએ જણાવ્યું કે, ચૂંટણી આવે અને જાય પણ કોમી એકતા જળવાય તેવું ભારપૂર્વક જણાવ્યું હતું. કુલદીપસિંહ જાડેજા (ભચાઉ)એ જણાવ્યું કે, સાચું મહત્ત્વ એ છે કે, આપણે કેટલું જીવ્યા એ નહીં, પરંતુ આપણે બીજા માટે જીવ્યા એ મહત્ત્વનું છે. જામ અબડા તથા સુમરીદાદીમાએ જે મશાલ જગાવી તે આપણા માટે પૂરતું છે. અબડાસાના ધારાસભ્ય પી.એમ. જાડેજાએ જણાવ્યું કે, આવા કાર્યક્રમો થકી એકતા વધે છે. હાલે અબડાસામાં કારમો દુષ્કાળ છે, ત્યારે ખભેખભા મિલાવીને પાર પાડીએ તેવી અપીલ કરી હતી. સૈયદ મુસ્લિમ એજ્યુકેશન એન્ડ વેલ્ફેર સોસાયટીના પ્રમુખ અબ્દુલ રસુલશાએ આ સ્થાનની વિશ્વમાં નોંધ લેવાય છે એ આપણા અબડાસાનું ગૌરવ હોવાનું જણાવ્યું હતું. સુમરીદાદી કમિટી તરફથી સમાજના પ્રમુખ હાજી અલાનાને સમાજરત્ન એવોર્ડ, સ્મૃતિચિહ્ન તથા શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. સુમરા સમાજના ભાઇઓ તથા બહેનો, તા.પં., જિ.પં. તથા વિવિધ ખાતાઓમાં વડા તરીકે ફરજ બજાવતા અધિકારીઓને સમાજ તરફથી સ્મૃતિચિહ્ન તેમજ શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. આ અવસરે કાદરશા બાવા, અનુભા જાડેજા, સામંતભાઇ ગોરડિયા, જુવાનસિંહ જાડેજા, હાજી તકીશા બાવા, આમધભાઇ જત, સ્વ. જુવાનસિંહજીના પરિવારજનો, સ્વ. પાંચુભાના પરિવારજનો, સ્વ. જામ નવઘણસિંહજીના પરિવારજનો (રાજકોટ), જખરાજી અબડા તથા વિવિધ ગામોમાંથી સુમરા સમાજ તેમજ વિવિધ જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તા. 24/3ના હાજી જહાંગીરશા બાવાનો તકરીરનો કાર્યક્રમ યોજાયો હતો. બપોરે  આમ ન્યાઝનો  કાર્યક્રમ રાખવામાં આવેલ. આ કાર્યક્રમ પ્રસંગે વિવિધ દાતાઓ દ્વારા દાનની જાહેરાત કરાઇ હતી. આભારવિધિ જાફરભાઈ મોડે કરી હતી.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer