પટેલ સમાજનો કૃષિ પ્રકલ્પ ગુજરાતી રોલ મોડેલ

પટેલ સમાજનો કૃષિ પ્રકલ્પ ગુજરાતી રોલ મોડેલ
કેરા (તા. ભુજ), તા. 24 : સમસ્ત પાટીદારોની સરદારધામ, અ'વાદ સંસ્થા દ્વારા કેવડિયા કોલોની સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ત્રિદિવસીય ચિંતન શિબિર યોજાયો હતો. તેમાં કચ્છી લેવા પટેલ સમાજ-ભુજનો કૃષિ પ્રકલ્પ છવાયો હતો. ખોડલધામ, ઊંઝા ઉમિયાધામ,અન્નપૂર્ણાધામ સહિતની સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા.  કૃષિ મોલ, જમીન ચકાસણી, બજાર વ્યવસ્થા સામાજિક સ્તરે શરૂ કરનારી કચ્છી લેવા પટેલ સમાજ-ભુજ રાજ્યની પ્રથમ અને એકમાત્ર સામાજિક સંસ્થા છે કે જેણે સર્વ જ્ઞાતિ માટે ખાતર, બિયારણ, દવા સહિતના ઈનપુટ એકછત્રે યોગ્ય ગુણવત્તા-કિંમતે ઉપલબ્ધ કરાવ્યા છે.  સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર સાહેબની પ્રતિમાની સાક્ષીએ સેવા, સમૃદ્ધિ, શિક્ષણના માધ્યમે પાટીદારો રાજકારણ, વહીવટી તંત્ર, ન્યાય તંત્ર અને મીડિયા ક્ષેત્રે વધુમાં વધુ રસ લે તેવી પ્રતિજ્ઞાઓ લેવાઈ હતી. ભુજ સમાજ એજયુ. મેડિ. ટ્રસ્ટ અધ્યક્ષ ગોપાલભાઈ માવજી ગોરસિયાએ શિબિર સંબોધતાં કચ્છી લેવા પટેલ સમાજની હોસ્પિટલ, કન્યા-કુમાર શિક્ષણ અને કૃષિક્રાંતિ પ્રયાસોની માહિતી આપી હતી. ભુજ સમાજે અમલમાં મૂકેલું માળખું ગુજરાતભરની પાટીદાર સંસ્થાઓએ સ્વીકાર્યું હતું અને અભ્યાસ માટે ભુજ આવવા નક્કી કર્યું હતું.  ખોડલધામના મોભી અને બિનઅનામત આયોગના ચેરમેન હંસરાજભાઈ ગજેરા, ઉમિયાધામ-ઊંઝાના મણિભાઈ- ઉર્ફે મમ્મી, અન્નપૂર્ણાધામના રવજીભાઈ વાસાણી, સરદાર- ધામના ગગજીભાઈ સુતરિયા, ભુજથી કડવા પાટીદાર યુવા પાંખના વસંતભાઈ ધોળુ, નખત્રાણાના પાટીદાર ઉદ્યોગપતિઓ, સમાજ ટ્રસ્ટના મંત્રી રામજી સેંઘાણી, એજ્યુ. મેડિ. મંત્રી કેશરાભાઈ પિંડોરિયા, યુવક સંઘ મંત્રી વસંત પટેલ, નારાણપરના અગ્રણી હરીશ સૂર્યવંશી સહિત સુરત, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતની પાટીદાર સંસ્થાઓના 470 પ્રતિનિધિઓએ ચિંતન કર્યું અને સામાજિક તારણો કાઢી વધુ ને વધુ સક્રિય થવા સંકલ્પ લીધો હતો. રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહારની પાટીદાર સંસ્થાઓ પણ જોડાઈ હતી. વિવિધ વક્તાઓએ સામાજિક સુધાર, સંગઠનપોષક  વક્તવ્યો-વિચારો આપ્યા હતા. કડવા પાટીદાર યુવા પાંખના વસંત ધોળુએ ધંધા-રોજગારની દિશા રજૂ કરી હતી.

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer