મગજ સ્પાઈનની બીમારીમાં બેદરકારી જોખમ

મગજ સ્પાઈનની બીમારીમાં બેદરકારી જોખમ
ભુજ, તા. 24 : ક.વી.ઓ. જૈન મહાજન-ભુજ સંચાલિત રતનશી ટોકરશી વોરા મેડિકલ ચેકઅપ સેન્ટર ખાતે અમદાવાદની સેલ્બી હોસ્પિટલના ન્યુરો અને સ્પાઈન સર્જનના મફત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 120થી વધુ દર્દીઓએ કેમ્પનો લાભ લઈ સારવાર તથા નિદાન કરાવ્યું હતું. કેમ્પમાં સ્પાઈન સર્જન ડો. વિશાલ બૌઆ, ન્યુરો સર્જન ડો. તુષિત મેવાડાએ સેવાઓ આપી હતી. આ કેમ્પમાં સેવા આપનારા મુંદરા તાલુકાના તુંબડી ગામના ડો. બૌઆ અને ડો. મેવાડાએ જણાવ્યું હતું કે, આજના સમયમાં મગજ કે સ્પાઈનની બીમારી સમયે બેદરકારી ન દાખવતાં સુપર નિષ્ણાત ડોક્ટર પાસે સમયસર તે બીમારીનું નિદાન કરાવવું જોઈએ. બીમારીના નિદાનથી મોટી બીમારીમાંથી બચી શકાય છે. કેમ્પમાં 15 જેટલા વધુ સારવાર લાયક દર્દીઓને અમદાવાદ માટે રિફર કરવામાં આવ્યા હતા. છેલ્લા 3 મહિનાથી દર મહિને સેલ્બી હોસ્પિટલ- અમદાવાદના સહયોગથી સુપર નિષ્ણાત ન્યુરો તથા સ્પાઈનના દર્દીઓ માટે યોજાતા શિબિરનું ઉદ્ઘાટન કરતાં સંસ્થાના પ્રમુખ તારાચંદભાઈ છેડાએ જણાવ્યું હતું કે, અમદાવાદની મોંઘામાં મોંઘી હોસ્પિટલના નિષ્ણાત તબીબો દ્વારા દર મહિને યોજાતા આવા કેમ્પો કચ્છના દર્દીઓ માટે ખૂબ જ આશીર્વાદરૂપ થાય છે. સંસ્થાના મેડિકલ કન્વીનર ડો. દેવચંદ ગાલા અને મેડિકલ ઓફિસર ડો. અશોક ત્રિવેદીની સંયુક્ત યાદીમાં જણાવ્યા પ્રમાણે, કચ્છમાંથી કોઈપણ દર્દીને મેડિકલને લગતી કાંઈપણ સમસ્યા હોય તો તેમણે એકવાર સંસ્થામાં કાર્યરત મેડિકલ ઈન્ફોર્મેશન સેન્ટરની મુલાકાત લેવી જોઈએ. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer