વિદ્યુતિકરણના નામે રેલવે વ્યવહાર બાધિત

ગાંધીધામ, તા. 24 : ભુજ- મુંબઈ વિમાની સેવા હાલ બંધ છે તેવામાં રેલવે ઈલેક્ટ્રિફિકેશનના કામના કારણે આજથી લેવાયેલા બ્લોકના કારણે કચ્છના રેલવે વ્યવહારને અસર પહોંચી છે. ભુજથી મુંબઈ વચ્ચે દોડતી એસી એક્સપ્રેસ અને ગાંધીધામ આવતી-જતી સાપ્તાહિક ટ્રેનો સંપૂર્ણ રદ કરવામાં આવી છે. રેલવેનાં સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ, અમદાવાદ-વિરમગામ વચ્ચે રેલવે ઈલેક્ટ્રિફિકેશનના કારણે તા. 23 થી તા. 31 સુધી બ્લોક  લેવામાં આવ્યો છે. તે મુજબ, ભુજથી બાંદરા વચ્ચે અઠવાડિયામાં ત્રણ વખત દોડતી એસી એક્સપ્રેસ (22904) તા. 25-3, તા. 28-3, તા. 30-3ના ભુજથી રદ કરાઈ છે, જ્યારે (222903) આજે મુંબઈથી ઊપડી ન હતી. હવે તા. 27 અને તા. 28ના બાંદરાથી  નહીં ઊપડે. ભુજ-પુણે વચ્ચે સપ્તાહમાં એક વખત દોડતી ટ્રેનની એક ટ્રિપ રદ કરાઈ છે. પુણે-ભુજ (11092) આવતીકાલે તા. 25 માર્ચના પુણેથી નહીં ઊપડે અને ભુજ-પુણે (11091) તા. 27 માર્ચના ભુજ થી રદ કરાઈ છે. એ જ રીતે ગાંધીધામથી ઊપડતી ટ્રેનો પૈકી ગાંધીધામથી તીરુનેલવેલી વચ્ચે દોડતી હમસફર એક્સપ્રેસ (19424) આવતીકાલે તા. 24ના ગાંધીધામથી અને તા. 28ના ગુરુવારે તીરુનેલવેલીથી રદ કરાઈ છે. તાજેતરમાં જ ગાંધીધામથી ઈન્દોર વચ્ચે શરૂ થયેલી ટ્રેન ઈન્દોર-ગાંધીધામ (19335) આજે રાત્રે ઈન્દોરથી રદ કરાઈ હતી, જ્યારે ગાંધીધામ-ઈન્દોર (19336) આવતીકાલે તા. 25 માર્ચના ગાંધીધામથી નહીં ઊપડે. ગાંધીધામથી બાંદરા વચ્ચે અઠવાડિયામાં એકવાર દોડતી  બાંદરા-ગાંધીધામ (22951-22952) તા. 28 ને ગુરુવારે ગાંધીધામથી અને બાંદરાથી રદ કરાઈ છે. આ ઉપરાંત ભુજથી બરેલી વચ્ચે દોડતી આલા હઝરત એક્સપ્રેસના રૂટમાં ફેરફાર કરાયો છે. વાયા અમદાવાદ દોડતી ભુજ-બરેલી (14312) તા. 23, તા. 26 અને તા. 28ના વાયા વિરમગામ-મહેસાણા રૂટ ઉપર અને બરેલી-ભુજ (14311) તા. 25, તા. 26 અને તા. 28ના વાયા મહેસાણા- વિરમગામ રૂટ ઉપર દોડાવાશે. આ ત્રણ દિવસ દરમ્યાન બરેલી એક્સપ્રેસ અમદાવાદ નહીં જાય. મુંબઈ-કચ્છ વચ્ચેની વિમાની સેવા બંધ છે, તેવામાં દૈનિક સિવાયની મુંબઈની બે ટ્રેનની ચાર ટ્રિપ રદ થતાં પ્રવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાશે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer