ગાંધીધામમાં સામાન્ય મુદ્દે યુવાનની માર મારી હત્યા

ગાંધીધામ, તા. 24 : શહેરના કે.ડી.એલ.પી. સામે રમણ ચોરાયા નજીક ખોડિયાર- નગરમાં રહેતા પરમહંસ રાજમંગલ-ઉર્ફે બેલાસ નિષાદ (ઉ.વ. 40) નામના યુવાનને ત્રણ અજાણ્યા શખ્સે માર મારતાં આ યુવાને સારવાર દરમ્યાન દમ તોડી દીધો હતો. હત્યાના આ બનાવને પગલે ભારે ચકચાર પ્રસરી હતી. શહેરના ખોડિયારનગર નજીક રમણ ચોરાયા પાસેના માર્ગ ઉપર ગત તા. 22/3ના રાત્રિના ભાગે આ ચકચારી બનાવ બન્યો હતો. ખોડિયારનગર વિસ્તારમાં રહેનાર પરમહંસ નામનો યુવાન બનાવના દિવસે માર્ગ પરથી આવી રહ્યો હતો. દરમ્યાન, તેનો મોબાઇલ પડી જતાં અને તે ઉપાડવા જતાં ત્યાં પાછળથી કાળા રંગની બાઇક ઉપર ત્રણ શખ્સ  આવ્યા હતા. આ બાઇકના નંબર જી.જે. 12 1551 જેવા હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોતાનો મોબાઇલ ઉપાડતા જોઇ આ ત્રણેય શખ્સે `આ મોબાઇલ કોનો છે અને તું કેમ ઉપાડે છે' તેમ પૂછ્યું ત્યારે આ યુવાને મોબાઇલ પોતાનો હોવાનું કહેતાં આ શખ્સો ઉશ્કેરાઇ ગયા હતા અને તેના પેટમાં તથા છાતીમાં મારવા લાગ્યા હતા. દરમ્યાન, ત્યાં લોકો એકઠા થઇ ગયા હતા અને યુવાનને વધુ મારમાંથી બચાવ્યો હતો. જે-તે વખતે એકલો રહેતો આ યુવાન પોતાના રૂમ ઉપર સૂઇ ગયો હતો. બીજા દિવસે તેની હાલત ખરાબ થતાં તેને સારવાર અર્થે પ્રથમ રામબાગ હોસ્પિટલ અને વધુ સારવાર અર્થે ભુજની જિલ્લા હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેણે સારવાર દરમ્યાન દમ તોડી દેતાં આ બનાવ હત્યામાં પલટાયો હતો. આ ત્રણેય આરોપી પૈકી એક રૂપાળો અને નાના કદનો, કાળા- ભૂરા રંગના લાંબા વાળવાળો તથા સફેદ ટી-શર્ટ પહેરેલો હતો અને બીજો શ્યામવર્ણો તથા મધ્યમ બાંધાનો અને ત્રીજો લાંબા મધ્યમ બાંધાનો તથા તેરે નામ ફિલ્મના એક્ટરના વાળ જેવા તેના વાળ હોવાનું બિકી રામચંદ્રા નિષાદે ફરિયાદમાં જણાવ્યું હતું. આટલી નાની વાત માટે યુવાનની હત્યાના બનાવને પગલે ભારે ચકચાર પ્રસરી હતી. તો, આરોપીઓને પકડી પાડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer