કોંગ્રેસનાં ઊભાં ફાડિયાં બાદ કચ્છને નવી નેતાગીરી મળી

ભુજ, તા. 24 : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાથે સીધી વાત કરી હોય તેવા કચ્છમાં અનેક છે, પરંતુ `ફ્લેશબેક'ના આજના એપિસોડમાં આપણે કચ્છની એક એવી રાજકીય હસ્તીની વાત કરવાના છીએ જે ભૂતકાળમાં કચ્છની એકમાત્ર જ વ્યક્તિ હતી કે જે ધારે ત્યારે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને મળી શકતી. એ સીધા શ્રીમતી ગાંધીના સત્તાવાર નિવાસસ્થાન અને ઓફિસમાં જઇ શકતા... એ હતા ડો. મહિપતરાય એમ. મહેતા. 1885માં સ્થાપિત કોંગ્રેસ કાશ્મીરથી ઠેઠ કચ્છ અને કન્યાકુમારી સુધી પથરાયેલી હતી. ઇન્દિરા ગાંધીએ  રાજા-રજવાડાઓનાં  સાલિયાણાં નાબૂદ કર્યાં અને બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું તેથી ગુજરાતી નેતા અને તત્કાલીન નાણામંત્રી મોરારજીભાઇ દેસાઇ સાથે મતભેદ થયા અને સિદ્ધાંતનિષ્ઠ એવા અનાવિલ બ્રાહ્મણે નાણામંત્રીપદેથી રાજીનામું આપી આપોઆપ કોંગ્રેસને  હચમચાવી દીધી. રાજીનામાને પગલે કોંગ્રેસમાં બે ઊભાં ફાડિયાં થયાં અને ઇન્ડિકેટ-સિન્ડિકેટ કોંગ્રેસ અસ્તિત્વમાં આવી. ગુજરાતના મુખ્યમંત્રીપદે હિતેન્દ્ર દેસાઇ હતા ત્યારે  કચ્છમાંથી સૌપ્રથમ લવજી લખમશી મહેતા અને ડો. મહિપતભાઇ મહેતાએ ઇન્ડિકેટ કોંગ્રેસ, અર્થાત્ ઇન્દિરા કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરી. કુંદનભાઇ ધોળકિયા સંસ્થા કોંગ્રેસના પ્રમુખ હતા અને ડો. મહેતા ઇન્ડિકેટ કોંગ્રેસના પ્રમુખ થયા. બંને કોંગ્રેસ કચ્છમાં કાર્યરત હતી અને ઇન્દિરાજીએ  એક આશ્ચર્યજનક પગલું ભરીને લોકસભા વિસર્જિત કરી. યાદ રહે, `નોટબંધી'ની જાહેરાત નરેન્દ્રભાઇ મોદીએ ટીવી પરથી કરી હતી એ જ રીતે શ્રીમતી ગાંધીએ 27/12/70ના રેડિયો પર લોકસભા વિસર્જિત કરી અને 1971-માર્ચમાં લોકસભાની પાંચમી ચૂંટણી દેશ પર આવીને ઊભી રહી. રાજ્ય વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ એવા કુંદનભાઇ ધોળકિયાના પુસ્તક `કચ્છની શ્રુતિ અને સ્મૃતિ'માં અપાયેલી વિગતો અનુસાર, તુલસીરામ શેઠ ફરી ચૂંટણી લડવા માગતા ન હતા. યુવરાજ પૃથ્વીરાજસિંહ, સંસ્થા કોંગ્રેસ, જનસંઘ, સ્વતંત્ર પક્ષ, પ્રજા સમાજવાદી સહુએ સંમતિ સાધી ઇન્દિરા તરફી કોંગ્રેસમાંથી ડો. મહેતાએ ચૂંટણીમાં ઝંપલાવ્યું, ત્યારે ચૂંટણીસભામાં પ્રેમજી- ભાઇએ કહેલું, ડો. મહેતાની  કૂંડલી મેં જોઇ છે, તેઓ યુવરાજ સામે એક લાખ મતથી હારશે. યુવરાજ અપક્ષ ઊભા હતા અને સંસ્થા કોંગ્રેસનું નવું ચૂંટણીચિહ્ન `રેંટિયો કાંતતી ત્રી' તેમણે સ્વીકાર્યું હતું. 10મી માર્ચ-1971ના આ ચૂંટણીનું પરિણામ આવ્યું. કુલ્લ 3,91,123 મતદારોમાંથી 2,23,389 જણે મતદાન કર્યું. ડો. મહિપતરામ મહેતાને 1,04,286, જ્યારે યુવરાજ પૃથ્વીરાજસિંહજીને 1,02,307 મત મળ્યા. કેવી રસાકસી થઇ હશે! વિચારો. ડો. મહેતા માત્ર 1979 મતે જીત્યા. તે વખતે ગુજરાતની લોકસભા બેઠકોનો આંક 24નો હતો, જેમાંથી કોંગ્રેસે 14 બેઠક ગુમાવી હોવાથી 1979 મતે મહિપતરાય મહેતાની જીતની ભારે નોંધ કોંગ્રેસ પક્ષમાં લેવાઇ અને એક નવીન નેતાગીરીનો યુગ શરૂ થયો. પાંચમી લોકસભાની મુદ્દત 1976માં પૂરી થાય એ પહેલાં વડાપ્રધાન શ્રીમતી ગાંધીએ અમુક નિર્ણય લીધા, જે એક યશગાથા અને કલંકિત ઇતિહાસ તરીકે સમાંતર નોંધાયા. '71- ડિસેમ્બરના ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું. 15 દિવસ લડાઇ ચાલી. બાંગલાદેશ નામના એક સ્વતંત્ર દેશનો પાકિસ્તાનમાંથી અલગ ટુકડો થયો એ આખું પ્રકરણ શ્રીમતી ગાંધી અને રાષ્ટ્રના ઇતિહાસમાં ગૌરવશાળી પ્રકરણ તરીકે આલેખાયું, પણ કલંકિત અને કાળા પ્રકરણ સમા કટોકટીના કાળે કોંગ્રેસ પર અને શ્રીમતી ઇન્દિરા ગાંધી પર એક ધબ્બો લગાવ્યો અને તેથી જ ત્યારપછીની ચૂંટણી કોંગ્રેસે ગુમાવી. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer