નાના વરનોરામાં ગૌવંશના પશુઓનું કતલખાનું ઝડપાયું : આરોપી પલાયન

નાના વરનોરામાં ગૌવંશના પશુઓનું  કતલખાનું ઝડપાયું : આરોપી પલાયન
ભુજ, તા. 20 : તાલુકાનાં નાના વરનોરા ગામે બાતમીના આધારે સ્થાનિક બી-ડિવિઝન પોલીસે આજે વહેલી સવારે દરોડો પાડીને જબાર કાસમ મોખાના ઘરમાં ચાલતું  ગૌવંશના પશુઓનું મનાતું કતલખાનું ઝડપી પાડયું હતું.આ સ્થળેથી અઢીસો કિલો શંકાસ્પદ માંસનો જથ્થો કબ્જે કરાયો હતો. આ જથ્થો ગૌમાંસ છે કે કેમ તે દિશામાં કડીઓ મેળવવાના પ્રયાસો હાથ  ધરાયા છે. બહાર આવેલી વિગતો અનુસાર આ કાર્યવાહીમાં અઢીસો કિલો ગૌમાંસ મનાતો જથ્થો ઉપરાંત કતલ કરવા માટેના સાધનો અને હથિયારો તથા એક જીપ કબ્જે કરાઇ હતી. બનાવના સ્થળે ઘરમાંથી પોલીસને કતલ કરાયેલા પશુના અવશેષ પણ જોવા મળ્યા હતા. પોલીસે રાત્રે વિગતો જાહેર કરતાં જણાવ્યું હતું કે પકડાયેલો જથ્થો ગૌમાંસ છે કે કેમ તેની જાણકારી બહાર લાવવા માંસના નમૂના ફોરેન્સિક લેબોરેટરી ખાતે મોકલાવાયા છે. જ્યાંથી અભિપ્રાય આવ્યા બાદ આ સંદર્ભે કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે. બનાવના સ્થળેથી અટક કરાયેલી રોશનબેન જબાર મોખાએ પોલીસને એવી કેફિયત આપી છે કે તેનો પતિ જબાર કાસમ મોખા અને તથા દિયર રહીમ મામદ મોખા આ પ્રવૃત્તિ ચલાવતા હતા. આ બન્ને જણ કાર્યવાહી સમયે હાજર મળ્યા ન હતા. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer