મન હોય તો વટથી જીવાય...

મન હોય તો વટથી જીવાય...
ઘનશ્યામ મજીઠિયા દ્વારા
રાપર, તા. 15 : દત્ત ભગવાને સારું તારવવાની માત્ર દ્રષ્ટિ જોઈએ તેવી વાત કરી હતી. આવું જ એક દ્રશ્ય રાપરની બજારમાં દેખાયું અને જિજ્ઞાવશ પૂછપરછ કરી તો સમાજને એક સરસ સંદેશો આપે એવી નાનકડી વાત બહાર આવી.નગરની બજારમાં એક એક્ટિવા જે દિવ્યાંગો વાપરે છે તેવું ચાર પૈડાંવાળું એક્ટિવા અગરબતીના થેલાઓથી લદાયેલું જોવા મળ્યું. બહુ ધ્યાન ન ગયું પણ એક્ટિવાની પાછળ `જીવવું તો વટથી જ' લખાયેલું હતું. રણછોડ પૂંજાભાઇ રાઠોડ નામના છાડવારા ગામના વિકલાંગ ભાઇએ કહ્યું કે, હું મુંબઇમાં રહીને કમાતો હતો. 2002માં મુંબઇથી રાજકોટ આવતાં થયેલા અકસ્માતમાં કરોડરજ્જુને ઇજા થવાથી કાયમી અપંગતા આવી ગઇ છે. પાંચ વર્ષ તો પથારીવશ રહ્યો... પણ પછી એવું લાગ્યું કે આવી રીતે પરવશ બનીને કેમ જીવી શકાશે ? એટલે ઘોડીથી ચાલીને અગરબતીની ફેરી ચાલુ કરી છે. સમય પણ પસાર થાય અને બે પૈસાની આવક પણ થાય. એમાં વળી અકસ્માત કલેમમાં થોડા પૈસા મળ્યા. એટલે આવું સ્કૂટર લઇ લીધું. રાજકોટથી સારામાં સારી ગુણવતાવાળી અગરબતી મગાવીને આજુબાજુના ગામોમાં ફરીને અગરબતી વેચતા આ ભાઇ ક્રિયાશીલતાની મૂર્તિ સમાન છે. સગાઇ-લગ્નની ઉંમરમાં જ અકસ્માતે પંગુતા આવી જતાં એકલવાયું જીવન વ્યતિત કરતા આ ભાઇ મોરારિબાપુના પણ ભક્ત છે. જે તેમના સ્કૂટરના આગલા ભાગમાં સત્ય, પ્રેમ, રુણાલખેલું જોતાં લાગ્યા વિના ન રહે. તેમની ઘણી બધી કથાઓ પણ તેમણે સાંભળી હોવાનું તેમણે કહ્યું, ખરેખર મન હોય તો માળવે જવાય અને મન હોય તો જ વટથી જીવાય એ એમના જ સ્કૂટર પાછળના કથનને સાચું પુરવાર કરવા મથતા આ વિશેષ દિવ્યાંગને સલામ...

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer