ભ્રષ્ટાચાર હોય તો ગુપ્ત માહિતીયે આપવી પડે

નવી દિલ્હી, તા. 14 : રાફેલ ડીલ કેસમાં ચુકાદા ઉપર પુનર્વિચારની માગણી કરતી અરજીઓ ઉપર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે લીક દસ્તાવેજો ઉપર કેન્દ્ર સરકારના વિશેષાધિકારના દાવા ઉપર ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. સુનાવણી દરમિયાન સરકારે હવે એવી દલીલ કરી હતી કે કેગના રીપોર્ટમાંથી ત્રણ પાનાં ગાયબ છે ! બીજી બાજુ સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દે સરકારની દલીલ સામે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ભ્રષ્ટાચાર અને માનવાધિકાર ભંગના મામલામાં સંવેદનશિલ માહિતી કે સંવેદનશીલ સંસ્થા માટે પણ આરટીઆઈ એક્ટ લાગુ પડે છે અને જો સરકાર એવું માનતી હોય કે આ રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો હોવાથી કોર્ટે તેમાં દખલ ન દેવી જોઈએ તો આ મામલાને આરટીઆઈ એક્ટ હેઠળ વિચારવો જોઈએ.  કેન્દ્ર સરકાર તરફથી એટોર્ની જનરલ કેકે વેણુગોપાલે સુપ્રીમને કહ્યું હતું કે, કેગનો જે રીપોર્ટ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે તેમાં શરૂઆતનાં ત્રણ પાનાં ન હતાં. જેના ઉપર મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. એટોર્ની જનરલે આગળ કહ્યું હતું કે, સોદાને લઈને દાખલ કરવામાં આવેલી અરજીઓમાંથી લીક થયેલા દસ્તાવેજો હટાવવામાં આવે કારણ કે આ દસ્તાવેજ ઉપર વિશેષાધિકારનો દાવો થયો છે. આ દલીલના જવાબમાં સીજેઆઈએ કહ્યું હતું કે, તમે જે દસ્તાવેજો ઉપર વિશેષાધિકારની વાત કરો છો તે અગાઉ જ કોર્ટમાં રજૂ થઈ ચુક્યા છે. એટોર્ની જનરલે ઇવિડન્સ એક્ટના સેક્શન 123 અને આરટીઆઈ એક્ટનો હવાલો આપીને કહ્યું હતું કે, સુરક્ષા સંબંધિત જાણકારી સાર્વજનિક કરી શકાય નહીં. જેના જવાબમાં કોર્ટે કહ્યું હતું કે, જે સંસ્થાઓમાં ગોપનિયતા જાળવવા આરટીઆઈ એક્ટથી મુક્તિ મળે છે તેના ઉપર પણ જો ભ્રષ્ટાચારનો આરોપ લાગે તો જાણકારી આપવી પડે છે. જ્યારે પ્રશાંત ભૂષણે કોર્ટને કહ્યું હતું કે, આરટીઆઈ એક્ટની જોગવાઈ કહે કે છે જનહિત તમામ બાબતોથી સર્વોપરી છે અને ખુફિયા એજન્સી સંબંધિત દસ્તાવેજ ઉપર કોઈપણ પ્રકારના વિશેષાધિકારનો દાવો થઈ શકે નહીં. વધુમાં રાફેલ સોદો કોઈ સરકાર-સરકાર  વચ્ચેનો કરાર નથી કારણ કે  ફ્રાન્સે તેમાં સંપ્રભુ ગેરન્ટી આપી નથી.  ભૂષણે સવાલ કર્યો હતો કે સરકાર દ્વારા ફાઈલ કરવામાં આવેલા કેગ રીપોર્ટમાં 10 જાતની રક્ષા ખરીદનું વિવરણ છે પણ માત્ર રાફેલ સંબંધિત જાણકારીને જ સંશોધિત કરવામાં આવી છે. આ ઉપરાંત વકીલ એમએલ શર્માએ સવાલ ઉઠાવ્યો હતો કે જો દસ્તાવેજ ગોપનીય છે તો સરકારે અત્યારસુધી આ મામલે ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ કેસ કેમ નોંધ્યો નથી ? અગાઉ એટોર્ની જનરલે વિશેષાધિકારનો દાવો કરતા સુપ્રીમને કહ્યું હતું કે, રાફેલ સંબંધિત દસ્તાવેજો સંબંધિત વિભાગની મંજૂરી વિના કોઈપણ કોર્ટમાં રજૂ કરી શકે નહીં. આ માટે એટોર્ની જનરલે ઇવિડન્સ એક્ટના સેક્શન 123 અને આરટીઆઈ એક્ટનો હવાલો આપ્યો હતો. જેના ઉપર ભારે દલીલ થઈ હતી. અંતે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, રાફેલ સોદાનાં તથ્ય ઉપર ધ્યાન આપતા પહેલા તે કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધા ઉપર ફેંસલો કરશે.  

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer