મુંબઇમાં ફૂટ ઓવરબ્રિજ ધ્વસ્ત : 5 મોત

મુંબઇ, તા. 14 : મુંબઇના છત્રપતિ શિવાજી ટર્મિનલ (સીએસટી) સ્ટેશને આજે સાંજે મોટી દુર્ઘટના સર્જાઇ હતી અને એક ફૂટ ઓવરબ્રિજ તૂટી પડતાં પાંચ જણ માર્યા ગયા હતા તો 30 જેટલા ઘવાયા હતા. ઇજાગ્રસ્તો પૈકી ચારથી પાંચની હાલત ગંભીર બતાવાઇ રહી છે. તો પુલના કાટમાળ તળે દસેક જણ હજી દબાયા હોવાની આશંકા છે.આજે સાંજે લગભગ 7-30 વાગ્યે આ દુર્ઘટના સર્જાઇ હતી, એ વખતે પુલ નીચે મોટી સંખ્યામાં લોકો હાજર હતા. નજરે જોનારા સાક્ષીઓના જણાવ્યા અનુસાર અનેક લોકો પર પુલ તૂટી પડયો હતો. અમુક વાહનો પણ ચેપાઇ ગયા હતા. દરમ્યાન રેલવેએ કહ્યું હતું કે આ બ્રિજ અમારો નહીં બી.એમ.સી.નો છે. આ ઘટનામાં  30 લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલ છે. જેઓને તાકીદે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દુર્ઘટનામાં બ્રિજનો 60 ટકા હિસ્સો ક્ષતિગ્રસ્ત થયો છે. મુંબઈ પોલીસે જાણકારી આપતાં કહ્યું હતું કે, ગુરુવારે સાંજે છત્રપતિ શિવાજી ટર્મિનસના પ્લેટફોર્મ નંબર 1 ઉપર બનેલો પુલ એકાએક તૂટી પડયો હતો. જેના કારણે કેટલાય લોકો કાટમાળ હેઠળ દબાઈ ગયા હતા. હાદસા બાદ તત્કાળ સ્થળ ઉપર પહોંચેલી રેલવે પોલીસ અને સ્થાનિક પ્રશાસનની ટીમોએ સામાન્ય લોકોની મદદથી દબાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જે સ્થળે આ દુર્ઘટના બની તે એક ભીડભાડ ધરાવતો વિસ્તાર છે. ફૂટ ઓવરબ્રિજ તૂટી પડતાં ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો. આ દરમિયાન રેલવેએ નિવેદન આપ્યું હતું કે, આ ફૂટ ઓવરબ્રિજ રેલવેનો નહીં પણ બીએમસીનો છે.ઉલ્લેખનીય છે કે મુંબઇમાં અગાઉ પણ સપ્ટેમ્બર 2017માં એલ્ફિન્સ્ટન રોડ પર રેલવે બ્રિજ પર ભાગદોડ મચતાં 22 જણ માર્યા ગયા હતા, તો 2018માં અંધેરીમાં નબળો ફૂટ ઓવરબ્રિજ તૂટતાં અનેક ઘવાયા હતા. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer