યુનો સભ્ય દેશોની ચીનને ચેતવણી

વોશિંગ્ટન, તા. 14 : સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં આતંકી જૂથ જૈશ-એ-મોહમ્મદના મુખિયા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવને સતત ચોથીવાર ચીનનાં વિઘ્નથી વ્યથિત પરિષદના અન્ય સભ્ય દેશો આ વખતે પગલાં લેવાના વિકલ્પો વિચારી રહ્યા છે. મસૂદ મામલે ચીનની દીવાલથી નારાજ ભારત માટે મોટી વાત એ છે કે, અન્ય ચાર સ્થાયી સભ્યો અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન અને રશિયાએ મસૂદ પર પ્રતિબંધને સમર્થન આપ્યું છે. યુનો સુરક્ષા પરિષદના જવાબદાર સભ્ય રાષ્ટ્રોએ ચીનને ચેતવણી આપતાં કહ્યું છે કે, તે પોતાની આ નીતિને વળગી રહેશે, તો અન્ય કાર્યવાહીઓ પર વિચાર કરાશે. સુરક્ષા પરિષદના એક રાજદ્વારીએ ચીનને ચેતવણી આપતાં જણાવ્યું હતું કે, આવું જ વલણ રાખશે, તો અન્ય પગલાં લેવા મજબૂર થવું પડશે. રાજદ્વારીએ નામ નહીં આપવાની શરત સાથે જણાવ્યું હતું કે, આતંકવાદી મસૂદ અઝહરને છાવરવાનાં ચીની વલણ સામે અન્ય તમામ સભ્યો વિરોધમાં છે. અમેરિકાએ પણ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, સુરક્ષા પરિષદની પ્રતિબંધિત આતંકીઓની યાદીમાં મસૂદ જેવા આતંકવાદીઓનાં નામ સમાવવાના પ્રયાસો જારી રહેશે.ખાસ ઉલ્લેખનીય છે કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના ચીન સિવાય અન્ય તમામે તમામ દેશ મસૂદ પર પ્રતિબંધ મૂકવાના પક્ષમાં હતા. 

Crime

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer